અમેરિકા આગ સાથે ખેલી રહ્યું છે: રશિયા-ચીન

  • અમેરિકા આગ સાથે ખેલી રહ્યું છે: રશિયા-ચીન
    અમેરિકા આગ સાથે ખેલી રહ્યું છે: રશિયા-ચીન

મોસ્કો તા.22
રશિયા તેમજ ચીન પર ચોક્કસ પ્રતિબંધ મૂકવાના અમેરિકાએ તાજેતરમાં લીધેલાં પગલાં અંગે ચેતવણી આપતા રશિયાએ શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા આગ સાથે રમી રહ્યું છે અને તેને કારણે વૈશ્ર્વિક સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.
રશિયા અને અમેરિકાના સંબંધોમાં તણાવ ઊભો કરી તેઓ અવિચારીપણે વૈશ્ર્વિક સ્થિરતા સામે જોખમ ઊભું કરી રહ્યા છે, એમ રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગી ર્યાબકોવે કહ્યું હતું. આગ સાથે રમત કરવી એ મૂર્ખતા છે કેમ કે એ જોખમી બની શકે છે, એમ તેમણે કહ્યું હતું. ગુરુવારે અમેરિકાએ તેનાં પ્રતિબંધનો વ્યાપ રશિયાથી ચીન સુધી વિસ્તાર્યો હતો અને રશિયા પાસેથી સુખોઈ એસયુ-25 યુદ્ધવિમાન અને એસ-400 જમીન પરથી હવામાં છોડી શકાય તેવા મિસાઈલ ખરીદવા બદલ ચીનના લશ્કર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની પહેલી જ વાર જાહેરાત કરી હતી.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા શિક્ષાત્મક પ્રતિબંધને કારણે રોષે ભરાયેલા ચીને શુક્રવારે રાજકીય વિરોધ નોંધાવ્યો હતો અને જો પ્રતિબંધ ઉઠાવી લેવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.
રશિયાના ગુપ્તચર ખાતા અને લશ્કર સાથે સંકળાયેલી 33 વ્યક્તિને બ્લેક લિસ્ટ કરવાની પણ અમેરિકાના વિદેશ ખાતાએ જાહેરાત કરી હતી. આ સાથે જ અમેરિકા દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલા રશિયનોનો આંક 72 પર પહોંચ્યો હતો. જોકે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં રશિયાનું વલણ બદલવામાં તેને સફળતા ન મળી હોવાનું રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગી ર્યાબકોવે કહ્યું હતું. અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા સંખ્યાબંધ બ્લેક લિસ્ટમાં અનેક નામોનું પુનરાવર્તન થઈ રહ્યું છે જે મશ્કરી જેવું લાગે છે, પરંતુ એ એમ જ છે, એ અમેરિકાનો રાષ્ટ્રીય ટાઈમપાસ બની ગયો છે એવું જણાઈ રહ્યું છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2011થી અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા રશિયા વિરુદ્ધ લેવામાં આવેલું આ 60મું પગલું છે.