ચીનનો વિરોધ છતાંNSGમાં ભારતને સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

  • ચીનનો વિરોધ છતાંNSGમાં ભારતને સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન
    ચીનનો વિરોધ છતાંNSGમાં ભારતને સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

વોશિંગ્ટન, તા.13
અમેરિકાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત પાસે એનએસજીનું સભ્યપદ મેળવવાની તમામ યોગ્યતા છે અને અમેરિકા ભારતને સભ્યપદ અપાવવા તરફેણ કરતું રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચીની વીટોને કારણે ભારત પરમાણુ પુરવઠા જૂથ (એનએસજી)નું સભ્યપદ ના મેળવી શક્યું. પરંતુ અમેરિકા આ જૂથમાં ભારતને સભ્યપદ મળે તે માટેની વકીલાત કરતું રહેશે કેમ કે સભ્યપદ હાંસલ કરવા ભારત તમામ લાયકાત ધરાવે છે.
48 સભ્યોના બનેલા આ જૂથમાં સભ્યપદ મેળવવા ભારત પ્રયાસશીલ છે પરંતુ ચીન અવરોધ સર્જતું રહે છે. આ જૂથ પરમાણુ વેપારનું નિયંત્રણ કરે છે. આ જૂથમાં સભ્યપદ મેળવવા ભારતને મોટાભાગના પશ્ચિમી દેશોનું સમર્થન છે. પરંતુ ચીન પોતાની વાતે મક્કમ છે કે જૂથના નવા સભ્યે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરેલા હોવા જોઈએ.ચીનની આ જિદને કારણે ભારત એનએસજી સભ્યપદથી વંચિત રહ્યું છે. ભારતે એનપીટી પર હસ્તાક્ષર નથી કરેલા.
દક્ષિણ અને મધ્ય એશિયા બાબતના નાયબ વિદેશપ્રધાન એલિસ વેલ્સે જણાવ્યું હતું કે એનએસજી સમૂહ તે સર્વસહમતીથી નિર્ણય લેતું જૂથ છે. ચીનનો વિરોધ હોવાથી ભારત તે જૂથનું સભ્યપદ હાંસલ કરી શકતું નથી. પરંતુ ચીનના વિરોધને કારણે અમેરિકા ભારત સાથેના સહયોગને સીમિત નહીં થવા દે.
તેમણે એમ પણ કહ્યું કે ભારતને રાજદ્વારી રાહે એસટીએ-1નો દરજ્જો આપીને અમેરિકાએ ભારતને નજીકના સહયોગીની યાદીમાં સ્થાન આપ્યું છે. વિદેશ વિભાગના આ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સાથે પરમાણુ સમજૂતીની પ્રક્રિયા શરૂ થયે દશ વર્ષ વીતી ગયા છે. હવે તે સમજૂતી પૂરી કરવાનો સમય આવી ગયો છે.
તે સમજૂતી હેઠળ અમારી મોટી કંપનીઓ પૈકીની એક કંપની કંપની કરોડો ભારતીય નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડશે.