ગંજાવર NPA માટે UPA ગવર્નમેન્ટ જવાબદાર: રાજન

  • ગંજાવર NPA માટે UPA ગવર્નમેન્ટ જવાબદાર: રાજન
    ગંજાવર NPA માટે UPA ગવર્નમેન્ટ જવાબદાર: રાજન

નવીદિલ્હી, તા.11
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેંકોની વધી રહેલી નોન પર્ફોમિંગ એસેટ એટલેકે એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. રઘુરામ રાજને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી સંસદીય અંદાજ સમિતિને પત્ર લખી એનપીએ માટે કોણ જવાબદાર છે અને ક્યા કારણોસર એનપીએ વધી તેની માહિતી આપી છે. રાજને જણાવ્યું કે સૌથી વધુ એનપીએ યુપીએ સરકારના 2004 થી 2006ના કાર્યકાળ દરમ્યાન વધી.
રઘુરામ રાજને જણાવ્યું કે યુપીએના કાર્યકાળમાં કોલસા કૌભાંડ સહિતના અન્ય કૌભાંડો બહાર આવ્યા. જેના કારણે સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડી અને અનેક ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર ખરાબ અસર પડી. પરિણામે ફસાયેલું દેવું સતત વધતું ગયું. કોલસાની ખાણોની સંદિગ્ધ ફાળવણી અને તેની તપાસ માટેના ડર જેવી સમસ્યાઓને કારણે યુપીએ અને ત્યાર બાદ એનડીએ સરકારે નિર્ણયો લેવામાં મોડું કર્યું. આ જ કારણોસર દેવાદારો માટે દેવું ચુકવવું મુશ્કેલ બનતું ગયું.
રઘુરામ રાજને યુપીએ સરકારની સાથોસાથે બેંકોને પણ એટલી જ જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે બેંકોએ પણ અતિ આશાવાદી વલણ અપનાવી મોટી લોન આપવામાં સાવધાની ન રાખી. જ્યારે બેંકોના લેણા ફસાતા ગયા તો પણ તેમણે યોગ્ય સમયે યોગ્ય પગલાં ન ભર્યા. હું નથી જાણતો કે બેંકોએ આવું ક્યા કારણોસર કર્યું. પરંતુ આ સમય દરમ્યાન બેંકોએ ઘણી ભૂલો કરી. તેમણે ભૂતકાળના વિકાસ અને ભવિષ્યના પ્રદર્શનને ખોટી રીતે આંક્યું. તે પ્રોજેક્ટ્સમાં વધુ ભાગ લેવા માંગતા હતા.
રઘુરામ રાજને જણાવ્યું કે એનપીએની સમસ્યાનું કારણ ગોટાળાઓ અને ભ્રષ્ટાચાર બંને છે. રાજને કહ્યું કે બેંકર્સ ઓવર કોન્ફિડન્સમાં હતા અને તેમણે લોન આપતા પહેલા બહુ ઓછી તપાસ કરી હતી. આ જ કારણ હતું કે ડૂબી રહેલા લેણા પર પણ ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહીં. સાથે જ વિચાર્યા વગર પ્રોજેક્ટ્સ માટે લોન વહેંચવામાં આવી. એક પ્રમોટરને મને કહ્યું હતું કે કેવી રીતે બેંકોએ તેની સામે ચેકબૂક લહેરાવતા જણાવ્યું હતું કે જેટલી ઇચ્છા થાય તેટલી રકમ ભરી લો.
મહત્વનું છે કે બેંકોની એનપીએ મુદ્દે સરકાર અને વિપક્ષો વચ્ચે ઘમાસાણ મચ્યું છે. પીએમ મોદીએ એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. તો રાહુલ ગાંધી મોદી સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તેવામાં રઘુરામ રાજનના નિવેદન બાહ ભાજપ હવે કોંગ્રેસને વધુ ભીંસમાં લેશે.