જેલમાં બંધ શરીફના બિમાર પત્નીનું નિધન

  • જેલમાં બંધ  શરીફના બિમાર પત્નીનું નિધન
    જેલમાં બંધ શરીફના બિમાર પત્નીનું નિધન

લંડન, તા.11
ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્ની બેગમ કુલસુમનું મંગળવારના રોજ એટલે કે 11મી સપ્ટેમ્બરના રોજ લંડનમાં નિધન થયું હતું.
પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ શાહબાઝ શરીફે મીડિયાને કહ્યું કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. જિયો ટીવીના રિપોર્ટના મતે કુલસુમ નવાઝની સારવાર લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં જુલાઇ 2014થી ચાલી રહી હતી. તેમને ગઇકાલથી જ ડોકટર્સે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર
રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ પણ કુલસુમની પાસે લંડનમાં જ હતા.
પાકિસ્તાનની કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના મામલામાં સજા સંભળાવ્યા બાદ નવાઝ શરીફ તેમની દીકરી મરિયમની સાથે સ્વેદશ પાછા ફર્યા હતા. ત્યારબાદ નવાઝ શરીફ અને તેમની દીકરીની એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવાઇ હતી. હાલ નવાઝ શરીફ અને મરિયમ નવાઝ પાકિસ્તાનની જેલમાં બંધ છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ પોતાની પત્ની કુલસુમ સાથે અંતિમ ક્ષણોમાં નહોતા. સૂત્રોના મતે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ પીએમ નવાઝ શરીફ, તેમની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ કેપ્ટન (રિટાયર્ડ) સફદરને કુલસુમના ઇંતકાલની માહિતી આપી દેવાઇ છે.
કુલસુમ નવાઝની ઉંમર 68 વર્ષની હતી. ડોકટર્સે ઑગસ્ટ 2017ના રોજ તેમને ગળાનું કેન્સર થયાની પુષ્ટિ કરી હતી. તેમણે 1971મા નવાઝ શરીફ સાથે નિકાહ કર્યા હતા.