અનામતના પ્રશ્ર્ને અંધાધૂંધી વચ્ચે શંકરાચાર્યશ્રીનો ધડાકો ! ફગાવો અનામતને

  • અનામતના પ્રશ્ર્ને અંધાધૂંધી વચ્ચે શંકરાચાર્યશ્રીનો ધડાકો ! ફગાવો અનામતને
    અનામતના પ્રશ્ર્ને અંધાધૂંધી વચ્ચે શંકરાચાર્યશ્રીનો ધડાકો ! ફગાવો અનામતને

આપણો દેશ અત્યારે લોકસભાની આગામી ચૂંટણી સંબંધક્ષ સોગઠાંબાજી અને અનામતની અંધાધૂંધ માગણીઓના ધમપછાડા વચ્ચે ઘેરાયેલો રહ્યો છે. ચામડી ચીરીનાખે એવી મોંઘવારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે અને સવા અબજની વસતિ ધરાવતા આ રાષ્ટ્રના ભાવિ સંબંધમાં ધાણીફૂટ વૈચારિક મતમતાંતર પ્રવવર્તે છે. અને અવિચળ એકતાનું તો નામું નખાઈ ગયું છે!
ગંગાસતીએ પાનબાઈને એક ભજનમાં એવું દર્શાવ્યું હતુ કે, ‘મેરૂ રે ડગે, જે જેના મન તો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે. વિષદ પડે પણ વણસે નહિ ઈતો હરિજનના પરમાણ રે...’
વિચારધારાના આવા અડગ રાજનેતાઓ તથા ધર્મધુરંધરો આજે કયાંય નીપજતા નથી!...
અભિપ્રાયભેદ અને વિચારભેદ જૂના જમાનામાં પણ હતા અને આજે પણ પ્રવર્તે છે, જેમાં ‘અનામત’નો મુદો કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ તથા સ્ફોટક બન્યો છે. આવી સ્થિતિમાં હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને બહુમતિ કોમના સર્વોચ્ચ ધર્મગૂરૂએ અનામતના મુદે એવી સ્પષ્ટ અને સનસનીખેજ ધડાકો કર્યો છે.
મથુરાનો અહેવાલ દર્શાવે છે એ મુજબ, એસસી/એસટી એક્ટ વિરુદ્ધ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના બદલે સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તક આપી સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ, ત્યારે જ બધાનું ભલું શક્ય છે. તેમના પ્રતિનિધિ દ્વારા જારી નિવેદનમાં આ મુજબ જણાવાયું છે.
સ્ટેટમેન્ટ મુજબ, સ્વામીએ કહ્યું કે, જેને શિક્ષણ, નોકરી, પ્રમોશન બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ શું હેરાન કરી શકશે? તેમણે સવાલ કર્યો કે, જ્યારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો પર બેઠા છે, તો તેમની સતામણી શક્ય પણ છે ખરી? તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે? નેતાઓએ દરેક વ્યકિત, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ, નહીં કે માત્ર કોઈ વર્ગ વિશેષ માટે.
તેમણે કહ્યું કે, ‘અનામત સંર્પણ રીતે નાબૂદ થવી જોઈએ અને બધાને ઉન્નતિની સરખી તક આપી સમાજ સેવા કરવા યોગ્ય બનાવવા જોઇએ. જો યોગ્યતા તેના અનામતના આધાર પર ડોકટર બનશે તો પેટમાં કાતર જ ભૂલશે, અને જો પ્રોફેસર બનશે તો પુલ પાડશે. એવું ન કરો. તેમને પણ યોગ્ય બનવા દો, તેમને પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમનો વિકાસ થશે. તેમને માત્ર વોટ બેંક બનાવીને રાખવા તેમના પ્રત્યે અત્યાચાર સમાન છેે.’
દલિત પ્રજાના મહાન નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા ડો.ભીમરાવ આંબેડકરે અનૂસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતી તેમજ દેશના પછાત વર્ગનાં લોકોએ લાંબા વખત સુધી વેઠેલી અને માનવ ગૌરવની ક્રુર મશ્કરી સહન કરતી રહેલી પ્રજાના ઉત્કર્ષ માટે ‘અનામત પ્રથા’ દેશના બંધારણમાં આમે જ કરી હતી. અત્યારે પણ તે ચાલુ રહી છે. ‘મત’ને ખાતર આ પ્રથાએના રંગ-રૂપમાં બદલાવ સાથે તે ટકી રહી છે. પ્રત્યેક ચૂંટણી વખતે એને રાજકીય રંગે રંગવામાં આવી રહી છે.
હવે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અનામત વિષે કરેલી ટિપ્પણી દેશભરમાં ખળભળાટ સર્જવાની શકયતા છે. એમાય લોકસભાની ચૂંટણીના પડઘા બેસી ગયા છે. તે વખતે શંકરાચાર્યશ્રીની આ પ્રકારની હિમાયત વૈચારિક ટકકરનો માહોલ સર્જશે એમ લાગ્યા વિના રહેતુ નથી.
અહી એવો ખ્યાલ પણ ઉપસે છે કે, શંકરાચાર્યશ્રીના અનામત અંગેના આ વિધાન અંગે અન્ય શંકરાચાર્યોનાં દ્રષ્ટિકોણની રાહ જોવાશે. કેન્દ્ર સરકાર અને રાજકીય પક્ષોના પ્રત્યાઘાતો પ્રતિ સૌની મીટ રહેશે!
આગામી કેટલાક દિવસ સુધી આ બાબત ચર્ચામાં રહે તેવો સંભવ છે.
આપણાદેશમાં અનામત પ્રથા એટલી હદે ઘર કરી ગઈ છે કે, એને ફગાવી દેવાનું આસાન નહિ જ બને. ચિંતકોએ આ મુદે વિસ્તૃત રાષ્ટ્રીય ચર્ચા કરવી પડશે એ નકકી લાગે છે !