ઉપવાસથી પાટીદારોને ફાયદો ન થયાનો સુર

અમદાવાદ, તા.8
હાર્દિક પટેલ પહેલા પાટીદારોને અનામત અને હવે ખેડૂતોની દેવા માફીની માંગણીને લઈને સરકારની સામે પડ્યો છે. આ માટે હાર્દિક છેલ્લા 15 દિવસથી ભૂખ્યા રહીને આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આ દરમિયાન તેનું વર્તન પણ કંઈક અંશે સ્વચ્છંદી બની ગયું હોવાનું જાણવા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક રાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો હોઈ તેના જ સમાજના મોભીઓની વાત પણ માનતો નથી. પાટીદાર સંસ્થાઓનું અને મોભીઓની વાત તો જાણે ઘોળીને પી જાય છે. હાર્દિક વાત ના માની જાહેરમાં અપમાન કરી રહ્યો હોવાની અનુભુતી પાટીદાર સમાજના મોભીઓને થતી હોવાનું જણાઈ આવે છે. તે પાટીદાર સમાજના ધાર્મિક ટ્રસ્ટોની વાતને પણ તાબે થતો નથી.
પાટીદાર સમાજના નેતાઓની વાત ના માની હાર્દિકે પાણી ના પીધું. ત્યાર બાદ તે ગઈ કાલે સ્વેચ્છાએ જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. હોસ્પિટલમાં પણ તે ઉપવાસ ચાલુ રાખવાનું જ રટણ રટ્યે રાખે છે.
સમાજમાં એવો પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, હાર્દિકને નિરાકરણ નહીં તમાશામાં રસ છે. હાર્દિકના કારણે પાટીદારોને કોઈ જ ફાયદો ન થયાનો સમાજનો સુર છે. તેવી જ રીતે ઉપવાસથી વ્યાપક સહાનુભૂતીની હાર્દિકની આશા નિષ્ફળ નિવડતી જણાય છે.