દાદા-દાદી અને માબાપ સમાજની અમાપ મૂડી છે: શ્રાવણનો સારાંશ

  • દાદા-દાદી અને માબાપ સમાજની અમાપ મૂડી છે: શ્રાવણનો સારાંશ
    દાદા-દાદી અને માબાપ સમાજની અમાપ મૂડી છે: શ્રાવણનો સારાંશ

આપણા દેશમાં સંયુકત કુટુંબનો જમાનો હતો. એવાં કુટુંમ્બોમાં દાદા-દાદી વડીલો મનાતા હતા. એમની વાતો મહત્ત્વની અને ડહાપણયુકત લેખાતી હતી. સામાજીક ઢાંચામાં તેઓ જ્ઞાનીને ગુણવાન ગણાતા હતા. તેમની સલાહ મોટા ભાગે માન્ય રહેતી હતી.
બાળકોને રમતા રમતાં મોટા કરી દે તે એક રમકડાં અને બીજા દાદા-દાદી ! ઉગતી પેઢી રામાયણ, મહાભારત અને સંસ્કાર-સંસ્કૃતિની વાતો દાદા-દાદી પાસેથી શીખે અને તે પણ હોંશે હોંશે શીખે. તે બેસે દાદા-દાદીનાં ખોળામાં, વારતાઓ સાંભળે દાદા-દાદી પાસેથી એમના ઉપર વહાલ દાદા-દાદી વરસાવે ! ઘરમાં જ્ઞાનના ભંડાર સમા દાદા-દાદી, અને ઘરમાં અનુભવની ખાણ જેવા પણ દાદા-દાદી...
એમને વડીલો પણ કહેવાય અને કુટુંબના મોભી પણ કહેવાય... કહેવતનાં સ્વરૂપમાં તેઓ જ્ઞાનની ઘણી મહત્વની વાતો કહી દેતા હતા, જેમકે પછેડી જેવડી સોડય તાણવી, કૂવામાં હોય તો અવેડામાં આવે, પૂણ્યે પાપ ઠેલાય, શુકન તો દીવો છે... પહેલો સગો તે પાડોશી, પડેલાને બેઠા કરવા, ખર્ચમાં કરકસર કરવી અને ત્રીજો ભાઈ સમજવો, સહુની સાથે સંપીને રહેવું, સંપ ત્યાં જંપ, કરજને અને ઉધારીને શત્રુઓ સમજવા, ધીરજનાં ફળ મીઠા છે, ક્રોધ અને ગુસ્સા પર સંયમ રાખવો... ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે...
આ કહેવતોને માનવજીવનનાં મંત્રો સમજીને એને ચીવટ પૂર્વક સ્મરણમાં રાખવી... જીવનમાં અચાનક આવી પડતી વિપદા અને કટોકટી વખતે એ ઉપયોગી બને છે.
હવે જમાનો બદલાયો છે. જૂના જમાનામાં પરિવર્તન આવ્યું છે. સંયુકત કુટુંબો રહ્યા નથી. એનાં બેહુદાં વિભાજન થયા છે. દાદા-દાદીનો પારિવારિક વૈભવ હવે ગઈકાલની વાત બની ગઈ છે. આપણા દેશનું રાજકારણ અને અર્થકારણ એટલી હદે બગડયા છે કે એને નવો ચળકાટ આપવાનું લોઢાના ચણા ચાવવા જેવું આકરૂ અને અશકય બન્યું છે.
ડોલર સામે રૂપિયો આ અગાઉ કયારેય ગગડયો ન્હોતો એટલી હદે ગગડયો છે.
નવી દિલ્હીના અહેવાલ મુજબ, રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે વધારો થઇ રહ્યો છે તે ભારત માટે એક જ મુશ્કેલી નથી. એસબીઆઇ તરફથી જાહેર કરેલા આંકડાઓ મુજબ રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે વિદેશી દેવું પણ વધી રહ્યું છે.
11 ટકાનો ઘટાડાને કારણે આગામી મહિનાઓમાં ભારતે 86,500 કરોડ રૂપિયા વધારે ચુકવવા પડશે.
ગુરુવારે ડોલર સામે રૂપિયો 72ને પાર પહોંચી ગયો છે. જો આ વર્ષે રૂપિયો વધારે નબળો પડશે એટલે કે ડોલર સામે એવરેજ 73 પર આવી જશે અને આંતરરાષ્ટ્રીય કિંમત એવરેજ 76 ડોલર પ્રતિ બેરલ રહી તો દેશમાં પેટ્રોલ-ડીઝલનું આયાત બીલ 45,700 કરોડ રૂપિયા રહી જશે.
એસબીઆઇના મુખ્ય આર્થીક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષએ એક નોટમાં આ માહીતી જાહેર કરી છે.
કોઈપણ દેશ ઉપર, કે સમાજ ઉપર, કે પરિવાર ઉપર, કે વ્યકિત ઉપર કરજનો બોજ વધે અને તે કમ્મરતોડ અને અસહ્ય બને તો તે સ્થિતિને આર્થિક પતનની અને સ્વાતંત્ર્ય ઉપર તરાપની સ્થિતિ સમજવી પડે!
આપણા દેશમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો જે રીતે બેકાબુ બન્યો છે, જે રીતે રૂપિયો અનહદ ગગડયો છે, જે રીતે નાણામંત્રી ‘જીએસટી’ની ઓથે અબજો રૂપીયાની કમાણી કરી રહ્યા છે અને કમજોરમાં કમજોર અર્થતંત્ર અંગે સાવધાન બનીને દેશના ટોચના અર્થવિદો સાથે તાકીદની સલાહસૂચના કરવાને બદલે રાજકીય ઢબે એનાં ઉપર ઢાંકપીછેડો કરી રહ્યા છે.
આપણે ત્યાં એવી કહેવત છે કે, પછેડી જેવડી સોડય તાણવી, ‘ખિસ્સા ખાલી, ભપકા ભારી’ના મિજાજને ત્યાગવો, બેફામ વહીવટી ખર્ચ કરીને અને કરજનો બોજો વધતો રાખીને બેફામ નવી નોટો છાપ્યા કરીને સાચા અર્થમાં તિજોરીને તળીયાઝાટક સ્થિતિએ પહોચાડવી એ બધું આત્મઘાતક જ બનવાનું છે. કૂવામાં જ પાણી ન હોય તો અવેડામાં કયાંથી આવે?
આપણા નેતાઓની બુધ્ધિ બગડી છે, અને આખો દેશ આવી બિહામણી હાલતમાં મૂકાયો છે એમ કહેનારા દાદા-દાદીઓ ખોટા નથી. આપણી સંસ્કૃતિ અને સંસ્કારના રખેવાળો એ જ હતા એ ન ભૂલીએ ! દાદા-દાદી અને માબાપની અમાપ મૂડીને આપણે હજૂ સાચવીએ એ આપણા સમાજના અને રાષ્ટ્રના હિતમાં છે. આજે પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો સંપન્ન થયો. શ્રાવણ સંસ્કૃતિને તે પૂન: ઉદિપ્ત કરતો ગયો. શ્રવણે તેના અંધ માતા પિતાને કાવડમાં બેસાડીને તમામ તિર્થોની યાત્રા કરાવવાનું અવિસ્મરણીય તપ કર્યું હતુ એ કથા માતા પિતા આપણા સમાજની અમાપ મૂડી હોવાનું દર્શન કરાવે છે.
આખા શ્રાવણ મહિનામાં ધાર્મિક કથાઓનું શ્રવણ કરીએ તિર્થસ્થાન જઈએ તો પણ જો દ્રષ્ટી ન મળે તો આંતરખોજ કરવી ઘટે. શ્રવણના માબાપ દ્રષ્ટી પણ ન પામ્યા અને પ્રાણ પણ ગુમાવ્યાએ વિષયની સમીક્ષા કરવી ઘટે છે.
બાકી તો પછેડી જેવડી સોડય નહિ તાણનારાઓની જબરી કસોટી નિશ્ર્ચિત બને છે, સરકાર ચેતે તો જ સારૂં !