‘આધાર’નો ટાર્ગેટ પૂરો નહીં થાય તો હવે બેન્કો દંડાશે

  • ‘આધાર’નો ટાર્ગેટ  પૂરો નહીં થાય તો  હવે બેન્કો દંડાશે
    ‘આધાર’નો ટાર્ગેટ પૂરો નહીં થાય તો હવે બેન્કો દંડાશે


કોલકતા તા,7
આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને બીઓબી સહિત 23 બેન્ક પહેલી નવેમ્બરથી રોજ બ્રાન્ચ દીઠ આઠ નોંધણી નહીં કરે તો તેમણે પશ્ર્ચાદ્વર્તી અસરથી પેનલ્ટી ચૂકવવી પડશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડી)એ ગયા સપ્તાહે બેન્કોને પહેલી નવેમ્બરથી બ્રાન્ચ દીઠ ઓછામાં ઓછી 8 નોંધણી અથવા અપડેશન્સ કરવા જણાવ્યું છે. બેન્કો તેમાં નિષ્ફળ રહેશે તો જુલાઈ 2018થી પેનલ્ટીનો સામનો કરવો પડશે.
યુડાઈના નિર્દેશથી સિનિયર બેન્કર્સ રોષે ભરાયા છે. તેમણે દલીલ કરી હતી કે યુડાઈ નિયમનકર્તા નથી, તો પછી તે આરબીઆઈને અવગણી બેન્કોને દંડ કેવી રીતે કરી શકે ? યુડાઈએ પહેલી જુલાઈએ જણાવ્યું હતું કે, આધારની સુવિધા ધરાવતી નિર્ધારિત બેન્ક શાખાએ પહેલી જુલાઈથી બ્રાન્ચ દીઠ ઓછામાં ઓછા આઠ, પહેલી ઓકટોબરથી 12 અને પહેલી જાન્યુઆરી 2019થી 16 એનરોલમેન્ટ કે અપડેશન્સ કરવાના રહેશે.
પ્રથમ તબક્કાના અમલ માટેની મર્યાદા વધારી 1 નવેમ્બર કરવામાં આવી છે. એ પહેલા આઈસીઆઈસીઆઈ બેન્ક જુલાઈ અને ઓગસ્ટના ડિફોલ્ટર્સની યાદીમાં મોખરે હતી. બેન્કની પેનલ્ટીની રકમ રૂા.82 લાખે પહોંચી હતી. આઈઓબી રૂા.68 લાખના દંડ સાથે બીજા કેનારા બેન્ક (રૂા.64.2 લાખ) ત્રીજા અને યુકો બેન્ક (રૂા.57 લાખ) ચોથા ક્રમે હતી. યુડાઈના જણાવ્યા અનુસાર ‘આધાર એકટ 2016ની જોગવાઈ પ્રમાણે યુડાઈ પાસે પગલા લેવાની સત્તા છે’ એસબીઆઈ અને પીએનબીએ આધાર માટે અપાયેલા ટાર્ગેટનું સંપૂર્ણ પાલન કર્યું છે.