10મીએ ભારત બંધના એલાન વચ્ચે પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવ

રાજકોટ તા,7
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળીયે જતા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અવિરત ભડકો ચાલુ રહ્યો છે અને આજે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઉછાળો આવતા લોકોમાં બોકાસો બોલી ગયો છે.
અચ્વેદિન અને જીડીપીમાં વધારાના દાવા વચ્ચે ડોલર સામે રૂપિયો તુટીને 72ના નવા તળીયે ગયો છે અને હજુ પણ રૂપિયો વધુ તૂટે તેવી નિષ્ણાંતોની આગાહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાના કારણે મોંઘવારી ભડકવાનો અને વેપાર-ધંધા ઉપર માઠી અસર પડવાનો પણ ભય છે. ગત મધરાત્રે પેટ્રોલ-ડીઝલના નવા ભાવો જાહેર થતા રાજકોટમાં પેટ્રોલમાં લીટરે 48 પૈસા વધી રૂા.78.95ના ઐતિહાસકિ સ્તરે ભાવ પહોંચ્યો છે. આજરીતે ડીઝલના ભાવમાં પણ 56 પૈસાનો વધારો થતા એક લીટરનો ભાવ 76.60ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
ખાસ કરીને ડીઝલના ભાવોમાં થઇ રહેલા અસાધારણ યોજનાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નજીવો તફાવત રહ્યો છે. આજના દિવસે રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં માત્ર રૂા.1.79નો જ તફાવત રહ્યો છે.
સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકોમાં પણ ધીરેધીરે નારાજગી વધી રહી છે. કોંગ્રેસ આગામી તા.10ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ભારતબંધનું એલાન આપ્યું છે તે પૂર્વે આજે એક જ દિવસમાં મોટો ઉછાળો આવતા કોંગ્રેસને પણ વિરોધ કરવાનું બળ મળ્યું છે.