એક નવો એલાન-એ-જંગ: શ્રી ગણેશને કહેશુ એલર્ટ રહેજો !

  • એક નવો એલાન-એ-જંગ: શ્રી ગણેશને કહેશુ એલર્ટ રહેજો !
    એક નવો એલાન-એ-જંગ: શ્રી ગણેશને કહેશુ એલર્ટ રહેજો !

હાર્દિક પટેલનો જંગ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો ખાતો ‘પારણા’ને કાંઠે પહોચી ગયો એ ભગવાનનો પાડ, ઈશ્ર્વરની કૃપા.... નરેશ પટેલ ઉપવાસની તપોભૂમિએ ગયા, અને યશસ્વી બન્યા, ઘીના ઠામમાં ઘી પડી જાય અને પરસ્પર વિશ્ર્વાસ સાથે ગુજરાત તેમજ ગુજરાતીઓની શોભા વધે એ દિશામાં આગળ વધી શકાય તો ખોડલ માતાજીની અને ઉમિયા માતાજીની મહેરબાની!...
પરંતુ આપણી દુનિયા અજબ જેવી છે ! આ લખાય છે ત્યારે એવી જાહેરાત થઈ ચૂકી છે કે, હવે અનામત સહિતના મામલે ઠાકોર સેના એલાન-એ-જંગનો આરંભ કરશે.
જો એમ થશે તો પુન: ગુજરાતનું વાતાવરણ ડહોળાશે અને કોણ જાણે શું શું થશે. પાટીદારો પછી ઠાકોર સેના
રણે ચઢે તો ગુજરાતમાં સનસનાટીઓ સર્જાયા વિના નહિ રહે અને રાજકીય ક્ષેત્રે એટમ બોમ્બ સમા ફટાકડા ફૂટયા વિના નહિ રહે.
ઠાકોર સમાજે સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ ઠાકોર સમાજે પોતાની
માંગ સાથે વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે.
અમદાવાદ ખાતે ઠાકોર સેના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર પાસે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે, ઠાકોર સમાજ પોતાના અધિકાર માટે આગામી સમયમાં મોટા પાયે આંદોલન શરૂ કરશે.
સરકાર દ્વારા અમારી વિવિધ માગણીઓ જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ઠાકોર સેના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના ભાગ રૂપે 15 સપ્ટેમ્બરે ઠાકોર મહાપંચાયત ભરાશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે બેરોજગાર મહાસભા બુહચરાજી ખાતે ભરાશે અને 23 સપ્ટેમ્બરે આરક્ષણ મહાપંચાયત ભરાશે, ત્યારબાદ 29 સપ્ટેમ્બરે અધિકાર યાત્રા શરૂ કરાશે એટલું જ નહીં બહુચરાજીમાં મારુતીના પ્લાન્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ઠાકોર સેના દ્વારા ધવલસિંહ ઠાકોરે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ઠાકોર અધિકાર આંદોલન અમારો અધિકાર છે. આ માટે અમે લડત ચલાવીશું. અમારી માંગ છે કે ઠાકોર
સમાજના યુવકો માટે અલગથી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે. વિદેશ અભ્યાસ માટે ઠાકોર સમાજને લોન આપવામાં આવે છે. તો સમાજને મળતી લોનની રકમમાં વધારો કરવામાં આવે. મહાપંચાયત ગાંધીનગરમાં 30થી વધુ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બધું રાજકીય ક્ષેત્રે ઘર કરી ગયેલા ગંદવાડનું પરિણામ છે.
લોકસભાની ચૂંટણી આવે તે પહેલા અને છેક નજદીકમાં ગણપતિ બાપા ગુજરાતમાં પધારવાના છે. આપણે એમને ‘ગણપતિ બાપા મોરયા’ (એટલે કે, હે ગણપતિ બાપા વેલકમ, ભલે પધાર્યા) કહીને હૈયાના હેતથી વધાવશું, અને એમને કહેશું કે આ ભૂમિ પર એલાન-એ-જંગ પ્રવર્તે છે.
તમે ‘એલર્ટ’ની આલબેલ સાંભળશો, જે આ દેશમાં નવીનતા નથી રહી... એલાન-એ-જંગ ગુજરાતને ધમરોળે તો તમે એમને સમજાવજો અને સહુનું ભલુ કરજો!
અહી કોઈ કોઈને ગણકારતા નથી એવું રાજકારણ છે...ગુજરાત એમાંથી બચે તેમ કોણ નહિ ઈચ્છે ?