પકડાયેલા બૌધ્ધિક નકસલી વિરૂધ્ધ પૂરતા પૂરાવા: પોલીસ

  • પકડાયેલા બૌધ્ધિક નકસલી વિરૂધ્ધ પૂરતા પૂરાવા: પોલીસ
    પકડાયેલા બૌધ્ધિક નકસલી વિરૂધ્ધ પૂરતા પૂરાવા: પોલીસ

મુંબઈ, તા.31
દેશમાં ડાબેરી કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને મહારાષ્ટ્ર પોલીસે યોગ્ય ઠેરવી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે નક્સલી સંગઠન કાયદો-વ્યવસ્થાને બગાડવા માગતા હતા અને સરકાર ઉથલાવવાનું મોટું ષડયંત્ર રચવા જઈ રહ્યા હતા. આરોપી તેમની યોજનાને પૂરી કરવામાં મદદ કરી રહ્યા હતા. એક આતંકવાદી સંગઠન પણ ષડયંત્રમાં નક્સલીઓ સાથે સામેલ હતું. પોલીસે કહ્યું કે આ ડાબેરી કાર્યકર્તાઓ વિરુદ્ધ અમારી પાસે મજબૂત પુરાવા છે.
ગત દિવસોમાં મહારાષ્ટ્ર પોલીસે દેશના 6 શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન હૈદરાબાદથી ડાબેરી કાર્યકર્તા-લેખક વારવરા રાવ અને છત્તીસગઢમાં ટ્રેડ યૂનિયન કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજ ઉપરાંત થાણેથી વેરનન ગોન્સાલ્વિસ, ફરીદાબાદથી અરુણ ફરેરા અને દિલ્હીથી ગૌતમ નવલખાની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર પોલીસના એડીજી પીબી સિંહે જણાવ્યું કે, 23 એપ્રિલે નક્સલીઓનો એક પત્ર મળ્યા બાદ પુણે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે બહુ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. જેમાં નક્સલી સંગઠનો સામેલ હતા અને આ આરોપીઓની મદદથી નક્સલી સંગઠન પોતાનો ઉદ્દેશ્ય આગળ ધપાવી રહ્યા હતા. એવો પણ ખુલાસો થયો કે એક આતંકી સંગઠન પણ તેમની સાથે સામેલ છે.