ડોલર સામે રૂપિયાનું અવિરત ધોવાણ

  • ડોલર સામે રૂપિયાનું અવિરત ધોવાણ
    ડોલર સામે રૂપિયાનું અવિરત ધોવાણ

મુંબઇ તા,31
ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ સતત ચાલુ રહ્યું છે અને તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ ભડકો યથાવત રહ્યો છે. ડોલરના અચ્છેદિન અને રૂપિયાના બુરેદિન આવ્યા હોય તેમ આજે રૂપિયો ડોલર સામે રેકોર્ડબ્રેક 71ના તળીયે પહોંચી ગયો હતો. જયારે રૂપિયાના ધોવાણથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ ઉછાળો આવ્યો હતો.
આજે સવારે બજાર ખુલતા જ ડોલર સામે રૂપિયો તુટીને 71ના સૌથી નીચલા સ્તરે ખૂલ્યો હતો અને રૂપિયાએ નવો લો બનાવ્યો હતો. બીજી તરફ ડોલર વધતા પેટ્રોલના ભાવમાં રાજકોટમાં 21 પૈસાનો વધારો થતા એક લીટરનો ભાવ રૂા.77.49 થયો હતો. જયારે ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થતા 75.16ના સ્તરે લીટરનો ભાવ પહોંચી ગયો છે.
આમ રૂપિયાનું ધોવાણ સતત ચાલુ રહેતા અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ સતત વધારો ચાલુ રહેતા મોંઘવારી ફૂફાડા મારી રહી છે. લોકો જન્માષ્ટમીનો તહેવાર બગડ્યાનો અનુભવ કરી રહ્યા છે.
જોકે શેરબજારમાં રાહતના સમાચાર છે. આજે સવારે શેરબજાર ખુલતા સેન્સેક્સ 127 પોઈન્ટ ઉછળ્યો હતો જયારે નિફ્ટીમાં પણ 43 પોઈન્ટનો ઉછાળો નોંધાતા સેન્સેક્સે 38800ની સપાટી વટાવી હતી. જયારે નિફ્ટીએ પણ 21750ની સપાટી ક્રોસ કરી લીધી હતી.