ગુજરાતની ‘ગોલ્ડન’ રનર સરિતાને 1 કરોડનું ઇનામ નિયમ મુજબ છે

  • ગુજરાતની ‘ગોલ્ડન’ રનર સરિતાને  1 કરોડનું ઇનામ નિયમ મુજબ છે
    ગુજરાતની ‘ગોલ્ડન’ રનર સરિતાને 1 કરોડનું ઇનામ નિયમ મુજબ છે

ગાંધીનગર તા.31
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એથલેટ સરિતા ગાયકવાડને સીએમ રૂપાણીએ 1 કરોડના પુરસ્કારની જાહેરાત કરતા જ સર્જાયેલા વિવાદ પર સરકારે સ્પષ્ટતા કરી છે. રમતગમત વિભાગના રાજય કક્ષાના મંત્રી ઇશ્ર્વર પટેલે જણાવ્યું હતું કે, સરિતાએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હોવાની તેમને નિયમ અનુસાર 1 કરોડનું ઇનામ જાહેર કરાયું છે. ઇશ્ર્વર પટેલે જણાવ્યું હતુ કે, જો એશિયન ગેમ્સમાં ગુજરાતના કોઇ એથલિટ ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગોલ્ડ મેડલ જીતે તો તેને ર કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જોગવાઇ છે. પરંતુ સરિતાએ જે ગેમમાં ગોલ્ડ જીત્યો છે. તેમાં તેમની સાથે ચાર મહિલા એથલેટ્સ પણ હતી. માટે તેમને 1 કરોડ રૂપિયાનો પોરસ્કાર અપાશે.
રમતગમત મંત્રી ઇશ્ર્વર પટેલે સ્પષ્ટ કર્યુ હતું કે, ગુજરાત સરકારના નિયમો અનુસાર સરિતાને કલાસ-1 અધિકારીની નોકરી પણ અપાશે. હાલ તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સરિતા ગ્રેજ્યુએટ થઇ જાય તે પછી તેને ચોક્કસ પણે સરકારી નોકરી મળશે.
મહત્વનું છે કે, ગુજરાત સરકારના રમતગમત વિભાગની વેબસાઇટ પર સ્પોર્ટ્સ પોલિસીની વિગતો આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ગુજરાતી એથલેટની ર કરોડનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. એટલું જ નહીં, તેની સાથે સરકાર તેને કલાસ-1 અધિકારીની નોકરી પણ આપશે. જોકે, તેમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમ કે પછી ટીમ ઇવેન્ટ તેવી કોઇ ચોખવટ ન હોવાથી સરિતાને જાહેર કરાયેલા પુરસ્કાર પર વિવાદ થયો હતો.
ડાંગ જીલ્લાના સાવ અંતરિયાળ ગામમાં રહેતી સરીતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં રમાઇ રહેલી એશિયન ગેમ્સની 4.400 મીટરની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષો સુધી પ્રેકિટસ કર્યા બાદ સરિતા આ મુકામ હાંસલ કરી શકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી કદાચ તે પહેલી ગુજરાતી છે. જોકે, ગુજરાતને આ સિદ્ધિ અપાવનારી સરિતા સાથે સરકારે અન્યાય કર્યો હોવાની ફરીયાદ ઉઠી રહી હતી. જેના મેસેજ વાયરલ થતા ગુજરાત સરકારે તેના પર સ્પષ્ટતા કરવી પડે હતી.
સોશિયલ મીડીયા પર પણ ગુજરાત સરકારની સ્પોર્ટ્સ પોલીસીના સ્ક્રીન શોટ સાથેના મેસેજ વાયરલ થયા હતા, જેમાં સરિતાને બે કરોડને બદલે એક કરોડનો જ પુરસ્કાર કેમ જાહેર કરાયો તેવા સવાલ ઉઠાવયા હતા. જોકે, સરકારે આ મામલે તરત જ ખુલાસો કર્યો હતો.