જ્યાં જ્યાં કૃષ્ણ જન્મ ઉજવો, ત્યાં ત્યાં શ્રીકૃષ્ણ-સંકુલો ઉભાં કરો...

  • જ્યાં જ્યાં કૃષ્ણ જન્મ ઉજવો, ત્યાં ત્યાં શ્રીકૃષ્ણ-સંકુલો ઉભાં કરો...
    જ્યાં જ્યાં કૃષ્ણ જન્મ ઉજવો, ત્યાં ત્યાં શ્રીકૃષ્ણ-સંકુલો ઉભાં કરો...

માનવ જીવનમાં અને સામાજીક તાણાવાણાંમાં વાસ્તવિકતા અને અવાસ્તવિકતાની દ્વિધા સારી પેઠે મુંઝવણરૂપ બને છે. મનુષ્યને સારૂં અને સાચું લાગતું બધું જ વહેવારૂ અને વાસ્તવિક, અર્થાત અવ્યવહારૂ અને અવાસ્તિવિક નથી ન્હોતું.
શ્રીકૃષ્ણએ મુનષ્ય અવતાર ધારણ કર્યો તેની પાછળનો હેતુ પણ તેમણે જ નિવેદિત કરી દીધો હતો અને કહ્યું કે, જયારે જયારે ધર્મ ક્ષીણ થાય છે અને અધર્મ માથુ ઉંચકે છે ત્યારે ત્યારે સાધુ ચરિત લોકોની રક્ષા માટે અધર્મનો નાશ કરીને ધર્મની પુન: પ્રસ્થાપના અર્થે દરેક યુગમાં હું અવતાર લઉં છું.
કુરૂક્ષેત્રના રણમેદાનની વચ્ચોવચ્ચ રથમાં બેઠેલા અર્જુન સાથેના સંવાદમાં શ્રી કૃષ્ણે આ હેતુ નિવેદિત કર્યો હતો. એ સંવાદ અમર છે. તે ‘ગીતા’ રૂપે અમર છે. કેટલાક વિદ્વાનો એવો તર્ક કરે છે કે, શ્રી કૃષ્ણને પામીને અર્જુનને અલભ્ય લાભ મળ્યો કે અર્જુનને પામીને શ્રી કૃષ્ણને ‘કશુંક જોઈતું મળી ગયું? આ અંગે આમ તો અનુત્તર રહેવાનું જ ઉચિત છે. પરંતુ કયાંક એવું વાંચ્યું હતું કે, અર્જુન અને કૃષ્ણ પર પ્રસન્ન થયેલા ઈન્દ્રે એક વખતે કૃષ્ણને વર માંગવાનું કહ્યું હતું. ઈન્દ્રના એ વરદાનના ઉત્તરમાં શ્રી કૃષ્ણે એક જ ઈચ્છા વ્યકત કરી હતી કે, ‘આ પૃથાપુત્રની પ્રીતિ મને સદાય મળતી રહે!’ આ પૃથાપુત્ર અર્જુન છે. તે ભકત છે’, તે નિતાન્ત પ્રેમીજન છે. પરિપૂર્ણ અને અવિચરણ-અવિરત પ્રેમનું એ જીવંત પ્રતીક છે.
કૃષ્ણ ખુદ જ્ઞાની છે, શૂરવીર છે. સર્વોત્તમ સખા છે, તપસ્વી છે. વચનપાલક છે અને ઉમદા આત્મજન છે. પરંતુ એ બધું ગૌણ છે. સહુથી અધિક એ પ્રેમીજન છે.
મહાભારતની પ્રત્યેક ઘટનાઓ રોમાંચક છે, એ બધી જ આશ્ર્ચર્યજનક છે. કલ્પનાતીત છે અને ધાર્મિકતા અધાર્મિકતા વિષે વિચાર કરતા થઈ જવાય એવી છે. દ્યુતસભાનો એમાં સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ ત્યારે દ્વારકામાં ન હતા. તે એનાથી અનભિજ્ઞ હતા. તેમને એ સમાચાર મળ્યા ત્યારે પાંડવો અજ્ઞાત વનવાસી બની ચુકયા હતા. શ્રીકૃષ્ણ એમને વનમાં જ મળ્યા, ભરી સભામાં અપમાનિત થયેલી દ્રૌપદી એમને જોઈને ઘમંડ એમને સ્વીકાર્ય ન હતા. પ્રજા ઉપર જુલ્મગારોની નિરંકુશ સત્તા એમને માન્ય નહોતી. લોહીનાં આંસુએ રોઈ.. કૃષ્ણે એને સાંત્વના આપતાં એવું વચન પણ આપ્યું કે, તમે એ નિશ્ર્ચિત માનજો કે કૌરવોનો નાશ થશે જ અને સત્તાધીશ તરીકે તેમણે આચરેલી રાક્ષસી જોહુકમી એમનો વિનાશ નોતરશે!
આવો મહાવિનાશ કૃષ્ણ ઈચ્છતા ન હતા, કૃષ્ણ યુધ્ધ નહોતા જ ઈચ્છતા, સમાધાન થાય અને મહાસંહાર રોકાય એવી જ એમની ભાવના હતી. પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા તદ્દન વિપરીત હતી. મહાભારતનું યુધ્ધ સર્વનાશ નોતરશે એ વાત તેમના ખ્યાલ બહાર નહોતી.
આ યુધ્ધ ભાઈઓ-ભાઈઓ વચ્ચે ખેલાવાનું હતું તેમજ ભાઈઓના હાથે ભાઈઓ મરવાના હતા તે હકીકત પણ તેમની સમજની બહાર નહોતી.
આ યુધ્ધને અંતે હસ્તિનાપુર સ્વર્ગ મટીને નરક બની જવાની કલ્પના પણ તે કરી શકયા જ હતા.
બીજી બાજુ, અનાચારી, નિરંકુશ, ભ્રષ્ટ તથા જુલ્મી શાસનના કૃષ્ણ સખ્ત વિરોધી હતા.
અસત્યની, અન્યાયની તથા અધાર્મિકતાની હકુમતને કૃષ્ણે મંજુર રાખી ન હતી. ઘમંડીઓના અધાર્મિક દિવ્યચક્ષુ પામેલા સંજયે જેને ધર્મક્ષેત્ર કુરૂક્ષેત્રનું નામ આપ્યું તે મહાભારતના યુધ્ધમાં કૃષ્ણનો મુળભૂત હેતુ ભારતીય સંસ્કૃતિનો વિનાશ નોતરતા અને મદોન્મત બનેલા મહારથીઓને મ્હાત કરવાનો હતો અને અધર્મીઓનો શિરચ્છેદ કરીને ધર્મની પુન: પ્રતિષ્ઠા કરવાનો હતો.
આપણા દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરતા આવું લાગે છે કે, ભારતીય સંસ્કૃતિ હવે સુરક્ષીત રહી નથી. રાજકીય સંસ્કાર રહ્યા નથી. નૈતિકતાને ગળેટુંપો દેવાયો છે.
રાજગાદી માટે મહાભારતનું યુધ્ધ ખેલાયુ હતું. આજેય રાજગાદી માટે સંસ્કારને નેવે મુકાય છે. સંસ્કૃતિને બેઆબરૂ થવા દેવાય છે. પાપાચાર આચરાય છે. તકવાદીઓ કયાંક યુધિષ્ઠિર અને કયાંક દુર્યોધનની બનાવટી ભૂમિકાઓ ભજવે છે.
કૃષ્ણે મહાભારતના યુધ્ધ પૂર્વે અને તે પછી જે કાંઈ જોયું હતું તે કરતાંય વધુ કદરૂપી રાજનીતિ આજે પ્રવર્તે છે.
નર્કાગારથી બદતર આજના રાજદરબારોની હાલત હોવાની બુમરાણ ચોમેર ઉઠી રહી છે.
મુખ્યમંત્રીઓને સૌથી વધુ ચિંતા સ્વચ્છ અને પારદર્શી શાસનની નથી પણ પોતાની રાજગાદી રક્ષવાની છે.
યુધિષ્ઠિર રાજા બને અને એમની સરકાર ટકી રહે તે માટે દુર્યોધનને નાયબ રાજા બનાવાય, એવી આજની રાજનીતિ છે.
રાજને દુર્જનને તેમની પડખે બેસાડવા પડે, શકુતિઓ તથા ઢોંગી પ્રપંચીઓને પણ ‘ભાઈ-ભાઈ’ કહીને બીરદાવવા પડે અને તેમને લાલચો આપીને બાપ બનાવવા પડે છે!
એવું એક વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે કૃષ્ણને કયારેય વાસ્તવિકતાઓથી નાસતા રહેવાની આદત ન હતી. એ કૃષ્ણ-નીતિ હતી એમ કહી શકાય. ચૌદ વર્ષની ઉંમરે રાધાને છોડીને મથુરા જવાનો નિર્ણય એમના જીવનની વાસ્તવિકતાના કારણે અનેક કાર્યો પુરા કરવાના બાકી હતા.
મહાભારતના યુધ્ધમાં ઘણી ઘટનાઓ એવી છે કે જેમાં પાંડવોનો બચાવ કર્યો અને એમની તરફેણ કરવા માટે અધાર્મિકતાને આશરો લીધો. જીવનની વાસ્તવિકતા એમનું ધ્યેય અધર્મનો નાશ હતો. ધર્મની પુન:સ્થાપના કરવાની વાત કયારેય ભૂલી ન શકાય. આપણે બધા વાસ્તવિકતાથી નાસી રહ્યા છીએ એમ કોને નથી લાગતું?
આપણી રાજસત્તાને, આપણી ધર્મસત્તાને અને આપણા દેશની સમગ્ર પ્રજાને વાસ્તવિકતાથી હટતાં રહેવાની દૂરને દૂર રહેવાની અને નાસતાં રહેવાની આદત પડી હોવાનો ખ્યાલ ઉપસે છે.
વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એનો સામનો કરવાની શૂરવીરતા દાખવવી અને શાણપણ દાખવવું એમાં જ આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ છે. નવાણુ ગાળો સાંભળીને, નવાણું હુમલા પચાવીને જયારે તેનો એકસોનો આંક આવે ત્યારે શિશુપાલનો શ્રીકૃષ્ણે શિરચ્છેદ કર્યો હતો. એ પણ કૃષ્ણ નીતિ હતી.
આપણે કયાં સુધી દેશની આર્થિક, રાજકીય અને કેળવણીના ક્ષેત્રોમાં હાલની વાસ્તવિકતાઓને હિમતભેર સ્વીકારીએ અને તમામ આવશ્યક સુધારાઓ કરવાની દિશામાં આગળ વધીએ એવો સંદેશ કૃષ્ણનીતિમાં ઉપસી આવે છે.
આ પૂર્વભૂમિકા સાથે વર્તમાન યુગમાં કૃષ્ણ જન્મોત્સવને અનુલક્ષીને પ્રતિજ્ઞારૂપે એવો મંત્રઘોષ કરવો જોઈએ કે, જયાં જયાં કૃષ્ણજન્મ ઉજવશું ત્યાં ત્યાં બધે જ કૃષ્ણ-સંસ્કૃતિ તેમજ કૃષ્ણ-નીતિની આપણા નગર નગર અને ઘરઘરમાં પુન:પ્રતિષ્ઠા માટે શ્રી કૃષ્ણ સંકુલ ઊભાં કરશું. વાસ્તવિકતાથી નાસતા રહીને આજના જેવા કૃત્રિમ તેમજ નિરર્થક મનોરંજનના દેખાવ પૂરતા લપેડા કર્યા કરવાને બદલે દેશભરમાં કૃષ્ણત્વ અને કૃષ્ણનીતિના જોશીલાં અભિયાન આરંભશું.. અત્યારે જે રીતે ‘શોભાયાત્રા’ યોજાય છે તેમાં રામમંદિર નિર્માણની ખ્વાહિસને પ્રબળતા બક્ષે અને કૃષ્ણપ્રેમીઓને જોમ બક્ષે એવો પ્રચંડ પડઘો નિષ્પન્ન થતો નથી!