કૈલાસ માનસરોવરની બાધા પુરી કરશે રાહુલ

નવી દિલ્હી, તા.30
શિવભક્ત રાહુલ ગાંધી 31મી ઓગષ્ટથી એક સપ્તાહ માટે કૈલાશ માનસરોવરની યાત્રાએ જશે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલે કર્ણાટકની ચૂંટણી બાદ પોતે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ માટે ત્યાંની પરિસ્થિતિ તાગ મેળવવા કેરળ ગયેલા રાહુલ બુધવારે દિલ્હી પાછા ફરશે અને 31મી ઑગસ્ટે તેઓ નેપાળને બદલે ચીનના માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાના છે.
કર્ણાટકમાં પ્રચાર માટે દિલ્હીથી જતી વખતે રાહુલના વિમાનમાં ખરાબી થઇ હતી અને ત્યારે થનાર સંભવિત અકસ્માતથી બચ્યા બાદ એમણે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાની ઇચ્છા જાહેર
કરી હતી.
પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર રાહુલના વિવિધ કાર્યક્રમોને લીધે તેઓ અત્યાર સુધી યાત્રા પર જઇ શક્યા નહોતા.
આમ છતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પોતે આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાના છે અને હવે આ અંગેની જાહેરાત કરાઇ છે.
અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ પોતાને જનોઇ ધારી હિંદુ, શિવભક્ત ગણાવી ચૂક્યા છે. રાહુલ ગાંધી રૂદ્રાક્ષની
માળા પણ પહેરે છે, જે ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન છેલ્લાં દિવસે પ્રેસ કોન્ફરન્સમાં જોવા
મળી હતી.
એપ્રિલમાં દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું બે ત્રણ દિવસ પહેલાં કર્ણાટક જઈ રહ્યો હતો, હું વિમાનમાં જતો હતો. વિમાન અચાનક 8 હજાર ફિટ નીચે આવી ગયું. હું અંદરથી ધ્રૂજી ગયો હતો અને ત્યારે લાગ્યું કે હવે ગયો. એ જ વખતે મને કૈલાસ માનસરોવર યાદ આવ્યું, ત્યારે તેમણે ભગવાન શિવને યાદ કર્યા હતા અને તેમણે એ જ વખતે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. હવે હું તમારી પાસેથી 10-15 દિવસની રજા માગું છું, જેથી હું કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ શકું.