રાજકારણને મોતનાં મોં સુધી ન જવા દઈએ: માનવ મહત્ત્વનો છે !

  • રાજકારણને મોતનાં મોં સુધી ન જવા દઈએ: માનવ મહત્ત્વનો છે !
    રાજકારણને મોતનાં મોં સુધી ન જવા દઈએ: માનવ મહત્ત્વનો છે !

ગુજરાતનું રાજકારણ ભડકે બળવાની આગાહી થઈ શકે છે. એક બાજુ અન્નનો ત્યાગ કરી ચૂકેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે હવે લથડતી તબીયતની તબીબી લાલબતી વચ્ચે જળના ત્યાગની પણ જાહેરાત કરી છે. બીજી બાજુ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વળતી જાહેરાત કરી છે કે, સરકાર હાર્દિકની બાબતમાં તેનું વલણ નહિ જ બદલે અને તેના હમણા સુધીના અભિગમમાં મક્કમ રહેશે.
આમ પરિસ્થિતિ અતિ સ્ફોટક બનવાનાં ચિહનો નજરે પડે છે.
ઓછામા પૂરૂ મુખ્યમંત્રીના પડકારને લેશમાત્ર રાહ જોયા વગર હાર્દિકે જાહેર કર્યું છે કે, ભાજપ ભલે આ પ્રશ્ર્નને રાજકીય સ્વરૂપ આપીને લડાઈ લડે, હું પણ મારી વાતમાં મક્કમ છું.
આ પડકાર અને પ્રતિપડકાર ગુજરાતનાં આગામી સમય માટે અમંગળ એંધાણ લે અને આખા દેશમાં એના ગોઝારા પડઘા પડશે એવું કહી શકાય તેમ છે.
જુદાજુદા અહેવાલ અનુસાર ઉપવાસ આંદોલનના પાંચમાં દિવસે હાર્દિક પટેલએ ફેસબુક લાઇવમાં જાહેરાત કરી કે ગુરૂવારથી અન્નની સાથે હવે જળનો પણ ત્યાગ કરશે. હાર્દિકની તબિયત ગમે ત્યારે લથડી શકે એવામાં હાર્દિકની નવી જાહેરાત સરકારમાં ભૂંકપ લાવી શકે છે. 30 ઓગષ્ટના રોજથી હાર્દિક જળનો પણ ત્યાગ કરશે અને આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે. પાટીદાર વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ હાર્દિકની ગમે ત્યારે અટકાયત કરીને બળજબરીપૂર્વક હોસ્પિટલમાં લઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાર્દિકને બાબા રામદેવની જેમ રાતે પોલીસ દ્વારા પકડી લેવામાં આવશે.
હાર્દિક આવતીકાલથી જળનો પણ ત્યાગ કરે છે ત્યારે સરકાર માટે મુશ્કેલીમાં વધારો થયો છે.
હાર્દિક પટેલે રાત્રે 9 કલાકે ફેસબુક પર લાઈવ સંબોધન કરતાં 30 ઓગસ્ટને ગુરૂવાર (આજ)થી પાણીનો પણ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આ પૂર્વે ગઇકાલે બપોરે હાર્દિક તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા તેને નજરકેદ કરાયો હોય તેવો પહેરો ગોઠવવામાં આવ્યો છે. તેને મળવા આવતા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. સોલા સિવિલના ડોક્ટર્સ દ્વારા હાર્દિકના ચેક-અપનો રિપોર્ટ ન અપાતાં તેના સમર્થકો નારાજ થયા હતા અને ખાનગી ડોક્ટર બોલાવીને હાર્દિકનું ચેક-અપ કરાવ્યું હતું.
હાર્દિકના સમર્થનમાં રાજ્યમાં અનેક સ્થળે લોકોએ ઉપવાસ પર બેસવાની શરૂઆત કરી છે. ગાંધીનગરના ચંદ્રાલા ખાતે પાટીદારો હાર્દીકના સમર્થનમાં ઉપવાસ પર બેઠા હતા. જૂનાગઢના પાદરીયા ગામે પણ પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ પર બેસેલા 21 પાટીદારોને મહીલા અને ગ્રામજનોનું પણ સમર્થન મળી રહ્યું છે.
આંદોલનને સમર્થન આપવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા પણ ઈવનગર પહોંચ્યા હતા. બાયડના અરજણવાવની મહિલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા છે. 250થી વધુ મહિલાઓ અને પુરૂષો ઉપવાસમાં જોડાયા છે.
આ બધું જોતા આ મામલો હવે અતિ સ્ફોટક અને ગમે ત્યારે અશાંતિ સર્જે એવા ઉત્તેજનાભર્યો બન્યો છે.
આ તબકકે પણ કુશળ રાજપુરૂષોએ એવું જ કહેવું જોઈએ કે, રાજકારણને મોતનાં મોં સુધી ન જવા દેવામાં જ ડહાપણ લેખાશે, કારણ કે માનવ બેશક મહત્ત્વનો છે.
આંધ્ર પ્રદેશમાં ભાષાવાર પ્રાંતોના મુદે એક રાજનેતા રામુલુએ કહેલું કે આંધ્રને સ્વતંત્ર અને અલગ રાજયનો દરજજો આપવો જોઈએ.
આ યોજના હેઠળ ખાસ પંચની નિમણૂંક કરવામાં આવી હતી, જેણે આંધ્રને મદ્રાસના એક ભાગનો દરજ્જો અપાયો હતો.
પંડિત જવાહરલાલ નહેરૂ તે વખતે વડાપ્રધાન હતા. રામુલુ તેમની માગણીને બળ આપવા આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા. રાજકારણી ખેંચતાણમાં મામલો સારી પેઠે ગરમાયો હતો.
કમનશીબે ઉપવાસમાં બેઠેલા રામુલુનું મોત નિપજયું હતુ. એ બનાવની નહેરૂ ઉપર ઉંડી અસર થઈ હતી અને વિલંબ વિના તેમણે આંધ્ર રાજયની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આજે પણ રામુલૂની પ્રતિમા મોજૂદ છે.
આમ, રાજકીય પડકારોનું પરિણામ અણધારેલું આવે છે....
ગુજરાતમાં રાજકારણને મોતના મોં સુધી ન લઈ જવાય અને મુત્સદીગીરી દ્વારા યુધ્ધનો સુખદ અંત આવે તો જ સારૂ, માનવ મહત્વનો છે એ ન ભૂલી જવાય એમ કોણ નહિ ઈચ્છે? ગુજરાત અને દેશ, બંને સળગે તે પહેલા સમજૂતી થવી ઘટે છે!