જાન્યુ.માં ચંદ્રયાન-2ની આકાશમાં છલાંગ

  • જાન્યુ.માં ચંદ્રયાન-2ની આકાશમાં છલાંગ
    જાન્યુ.માં ચંદ્રયાન-2ની આકાશમાં છલાંગ

નવી દિલ્હી, તા.28
ભારત આગામી વર્ષે એટલે કે 2019માં જાન્યુઆરીમાં પોતાના મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન-2ને લોન્ચ કરી શકે છે. યોજના અનુસાર ભારત ચંદ્રયાન 2ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચાડશે. આમ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચી દેશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ચેરમેન સિવને મંગળવારે આ અભિયાનની જાણકારી આપતા જણાવ્યું કે, જાન્યુઆરી 2019માં અમે અમારા મોટા અભિયાન ચંદ્રયાન-2 જીએસએલવી એમકે-3-એમ1થી લોન્ચ કરશે. ઇસરોના ચેરમેને કહ્યું કે, અમે આ અભિયાન માટે દેશભરના નિષ્ણાંતો પાસે સમીક્ષા કરાવી અને તેમના વિચારો જાણ્યા છે. તે તમામ લોકોએ અમારા કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ઈસરો માટે અત્યાર સુધીનું સૌથી જટિલ અભિયાન છે.
ઇસરોના ચેરમેને કહ્યું કે, ચંદ્રયાન-2નું વજન વધીને 3.8 ટન થઈ ગયું છે. આ પહેલા જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી)થી લોન્ચ કરવું હતું પરંતુ હવે તેનાથી લોન્ચ કરવું શક્ય નથી. હવે અમે જીએસએલવી એમકે-3ને તેના માટે તૈયાર કરી રહ્યાં છીએ. લોન્ચનો વિન્ડો ત્રણ જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું કે, આ લગભગ પ્રથમ મિશન હશે જેના હેઠળ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પણ પહોંચી શકાશે. તેમણે કહ્યું કે, ચંદ્રના દક્ષિણી ધ્રુવથી 72 ડિગ્રી દક્ષિણમાં ચંદ્રયાન-2 લેન્ડ કરશે.
અત્યાર સુધી અમેરિકા સહિત અન્ય દેશોએ અંતરિક્ષ અભિયાન ચાંદના દક્ષિણી ધ્રુવ માટે લોન્ચ કર્યા છે. પરંતુ આ તમામ ઓર્બિટર છે. મતલબ ચંદ્રની કક્ષામાં જ પરિક્રમા કરીને તેણે ત્યાંની તસ્વીરો લીધી હતી. પરંતુ કોઇ પણ ચંદ્રના આ ભાગ પર લેન્ડ થયું નથી. જો ભારત ચંદ્રયાન-2 લેન્ડ કરીને ત્યાં સુધી પહોંચવામાં સફળ થાય તો ભારત આમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇસરો પોતાના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2માં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. પહેલા ઇસરો ચંદ્રયાન-2 અભિયાન હેઠળ ચંદ્ર પર એક શોધ યાન ઉતારવાની તૈયારી કરી રહ્યું હતું પરંતુ હવે આ અભિયાન હેઠળ ઇસરો આ શોધ યાનને ચંદ્ર પર ઉતારતા પહેલા તેને તેની કક્ષામાં સ્થાપિત કરશે. સંગઠન તેના માધ્યમથી તે શોધ યાનની બેટરી સહિત અન્ય ટેકનિક સિસ્ટમનું પરીક્ષણ કરશે.
પહેલા ઇસરોને ચંદ્રયાન-2 અભિયાન હેઠળ શોધ યાનને ઓર્બિટરથી અલગ થયા બાદ સીધું ચંદ્રની પલટ પર ઉતારવાનું હતું. ત્યારબાદ ત્યાંની જમીન પર ચાલીને શોધ કરવી હતી. પરંતુ હવે આ નવી યોજનાના માધ્યમથી શોધ યાને ચંદ્ર પર ઉતારતા પહેલા તેની અંડાકાર કક્ષા અને વાયુમંડળને સમજવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. આ શોધ યાનના માધ્યમથી ઇસરો ચંદ્રના ઘણા રહસ્યો જણાવી શકશે.