સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતિની રક્ષા વિના રાષ્ટ્રની રક્ષા અસંભવ

  • સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતિની રક્ષા વિના રાષ્ટ્રની રક્ષા અસંભવ
    સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતિની રક્ષા વિના રાષ્ટ્રની રક્ષા અસંભવ

સૌરાષ્ટ્ર-ગુજરાત વેરાવળમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થયાના અહેવાલ પ્રકાશમા આવ્યા છે, અને તે શુભ ચિહન છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ અને સંસ્કૃત ભાષાને સજીવન કરવાના અભિયાનને બળ મળે
એવું આયોજન થયું એ અભિનંદનને પાત્ર છે. અને સરાહનીય છે એ નિર્વિવાદ છે.
સંસ્કૃત ભાષાની ઉપેક્ષા કરીને આપણા દેશના શિક્ષણ વિદોએ બેશક ભૂલ કરી છે!
સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતિની રક્ષા વિના રાષ્ટ્રની રક્ષા ન જ સંભવે એ તો સનાતન સત્ય છે અને રાષ્ટ્રની કે રાષ્ટ્રની આત્મોન્નતિની રક્ષા વગર આપણો દેશ સાચા અર્થમાં કેમ જીવંત રહી શકે, એવો સવાલ જાગ્યા વિના રહેતો નથી.
રામાયણ સંસ્કૃત ભાષામાં છે અને તે ભારતનો આત્મા છે.
મહાભારત સંસ્કૃત ભાષામાં છે અને તે ભારતનો આત્મા છે.
ભગવત ગીતા સંસ્કૃત ભાષામાં છે અને તે ભારતનો આત્મા છે.
મહાકવિ કાલીદાસ (દેશના સાહિત્ય ગૂરૂ)નાં ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે અને તે ભારતનો આત્મા છે. આપણા પૂરાણગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં છે અને ભારતની આત્મોન્નતિ તેમજ સંસ્કૃતિ એના ઉપર આધારિત છે.
વેરાવળના અહેવાલ મુજબ શ્રાવણપૂર્ણિમા અથવા રક્ષાબંધનના પવિત્ર દિવસને ભારત સરકારે સંસ્કૃત દિવસ તરીકે ઘોષિત કરેલ છે. ભારતના પરિચયરૂપી ભારતીય સંસ્કૃતિ જેને આશ્રિત છે તેવી સંસ્કૃતભાષા ધીમે-ધીમે લોપ પામતી જાય છે. આ બધા જ સંસ્કૃતાનુરાગિઓ સંસ્કૃતદિન નિમિત્તે સંસ્કૃતભાષાની રક્ષા કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય અને સંસ્કૃતને આપણી સંસ્કૃતિની રક્ષાનો ભાર
સોંપે છે.
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિ.માં દર વર્ષે ફક્ત સંસ્કૃતદિન નહીં પણ સંસ્કૃત સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે સંસ્કૃત યુનિ. માં તા.20 થી તા.27 સુધી સંસ્કૃત સપ્તાહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. યુનિવર્સિટી દ્વારા આયોજિત આ સ્પર્ધાઓમાં યુનિ.ના લગભગ 110 છાત્રો ઉપરાંત વેરાવળની માધ્યમિક શાળાઓના લગભગ 40 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહનો સમારોહ તા.27 ના સોમવારે બપોરે સાડા ત્રણ કલાકે યુનિવર્સિટીમાં થનાર છે. આ કાર્યક્રમમાં સંસ્કૃતસપ્તાહ દરમ્યાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ તકે સારસ્વત અતિથિ તરીકે પ્રો.નરેન્દ્રકુમાર પંડ્યા હાજર રહેલ અને સંસ્કૃત દિવસને શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવવાનું મહત્ત્વ સમજાવેલ હતું. આપણી પરંપરામાં શ્રવણનું બહુ જ મહત્ત્વ છે માટે જ સંસ્કૃત ભાષામાં વિદ્વાન માટે બહુશ્રુત એવો એક શબ્દ પણ પ્રચલિત છે. પંડ્યાજીએ શ્રોતાઓને સંસ્કૃતના મહાત્મયનું વર્ણન કરતા સ્વરચિત ધર્મ-અર્થ-કામ-મોક્ષના આધારે પદ્યો પણ જણાવેલ હતા. પ્રો.દેવેન્દ્ર પાણ્ડેયજીએ જણાવેલ કે સરળ સંસ્કૃતસંભાષણ સંસ્કૃતાનુરાગિઓને એકત્ર લાવવાનું એક ઉત્તમ સાધન છે. બહુજ અલ્પ પ્રયત્નથી સંસ્કૃતમાં વ્યવહાર કરતા શીખી શકાય અને બધા જ સંસ્કૃત અનુરાગિઓએ સંસ્કૃત સંભાષણ શીખી જ્યાં તક મળે ત્યાં સંસ્કૃતમાં વ્યવહાર કરવો જોઇએ.
મોરબીના સાર્થક વિદ્યામંદિરે સંસ્કૃત સપ્તાહના છેલ્લા દિવસે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હોવાનો અહેવાલ પણ શુભ ચિહન છે.
મોરબી ખાતે દર શ્રાવણી પૂનમને સંસ્કૃતભારતી દ્વારા સમગ્ર ભારત અને વિશ્વમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તે અંતર્ગત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રાવણી પૂનમ પહેલાના 6 દિવસ એટલેકે તા.21 થી 25 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને છેલ્લા દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ગીતાઅધ્યાય, શ્લોક પઠન,વદતું સંસ્કૃતમ,વકતૃત્વ વગેરે સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત ભારતી મોરબીના સહસંયોજક મયુરભાઈ શુક્લ તેમજ ઉષાબેન પંડ્યા અને હિરેનભાઈ રાવલ હાજર રહ્યા હતા.આ તકે સંસ્કૃતભારતી મોરબી જિલ્લા સંયોજક અને શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
દેશભરનાં શિક્ષણવિદો સંસ્કૃત ભાષાની અનિવાર્યતા સ્વીકારે છે. કોઈપણ દેશમાં જો એની સંસ્કૃતિનો હ્રાસ થાય તો એ મૃત:પ્રાય થયો ગણાય.
અહી આપણે સમીક્ષા ભલે વેરાવળ તથા મોરબીની ઘટનાઓની કરી છે, પરતુ આ બાબત આપણા આખા સમાજને અને દેશને સ્પર્શે છે. એ સારી પેઠે ગંભીર છે અને એક અબજ 20 કરોડ જેટલી વિશાળ જનતાના અને તેમના સંતાનોને સાંકળે છે.
આપણે આશા રાખીએ આપણા દેશની સંસ્કૃતને પૂનર્જવિત કરવાની અને સંસ્કૃતિને આત્મોન્નતિની ટોચ સુધી પહોચાડે, આપણા શિક્ષણવિદો અને રાજકર્તાઓ આ બાબતને સર્વોચ્ચ અગ્રતા આપે અને આપણને બધાને ‘સુવર્ણયુગ’નું સુખ આપવા કટીબધ્ધ બને !