કોંગ્રેસના 21 MLAની હાર્દિકની ખૂલ્લી તરફેણ

  • કોંગ્રેસના 21 MLAની હાર્દિકની ખૂલ્લી તરફેણ
    કોંગ્રેસના 21 MLAની હાર્દિકની ખૂલ્લી તરફેણ

અમદાવાદ, તા.21
25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ બાબતે હાર્દિક પટેલને ઉપવાસની મંજૂરી આપવા માટે હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ સામે આવ્યાં છે. આ ઉપવાસ આંદોલન મામલે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો મુખ્યમંત્રી રૂપાણીની ઓફિસે પહોંચ્યા હતા.જોકે, કાર્યાલય ખાતે સીએમ ગેરહાજર હોવાથી તેઓ સેક્રેટરી અશ્વિની કુમારને મળ્યા હતા.
પરંતુ અશ્વિની કુમાર આ તમામ ધારાસભ્યોને નાયબ મુખ્યમંત્રી
નીતિન પટેલ પાસે મોકલ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ નીતિન પટેલ સમક્ષ હાર્દિક પટેલને ઉપવાસ માટે મંજૂરી મળે તે અંગે રજૂઆત કરી હતી.
હાર્દિક માટે રજુઆત કરનાર ધારાસભ્યોમાં કિરીટ પટેલ, પ્રકાશ દુધાત, સોમા પટેલ, ઋત્વિક મકવાણા, વિરજી ઠુમ્મર, લલિત વસોયા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યો પાસના પૂર્વ નેતા તેમજ રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં સીએમ કાર્યાલય પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે 25મી ઓગસ્ટના રોજ ઉપવાસ માટે તંત્રએ નિકોલ ખાતે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિકે પોતાના ઘરે જ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ઘરે ઉપવાસની જાહેરાત બાદ હાર્દિકે ગાંધીનગર ખાતે ઉપવાસ માટેની મંજૂરી કરતી અરજી કરી હતી. આ માટે હાર્દિકે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટેની મંજૂરી માંગતી એક અરજી ગાંધીનગર કલેક્ટરને કરી છે.
આ મામલે ગાંધીનગર જિલ્લાના પાસ કન્વિનર ઉત્પલ પટેલે હાર્દિક વતી ગાંધીનગરના મામલતદારને એક અરજી કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તા. 25મી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6, ગાંધીનગર ખાતે માઈક અને મંડપ સાથે ઉપવાસની મંજૂરી આપવામાં આવે.