ઇમરાન ખાન ભારત-પાક. ક્રિકેટ શ્રેણી માટે ઇચ્છુક

  • ઇમરાન ખાન ભારત-પાક.  ક્રિકેટ શ્રેણી માટે ઇચ્છુક
    ઇમરાન ખાન ભારત-પાક. ક્રિકેટ શ્રેણી માટે ઇચ્છુક

ઇસ્લામાબાદ, તા.21
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ સેઠીના રાજીનામા પછી વડાપ્રધાન ઇમરાન ખાને એહસાન મનીને આ જવાબદારી સોંપી છે. મનીનું કહેવું છે કે ઇમરાન ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શરૂ કરવાને લઇને ખૂબ ઉત્સુક છે.
સામાન્ય ચૂંટણી દરમિયાન સેઠી અને ઇમરાનના સંબંધોમાં તિરાડ જોવા મળી હતી. સેઠીને નવાઝના સમર્થક માનવામાં આવે છે. તેમના રાજીનામા પછી તરત જ ઇમરાને મનીની નિયુક્તિની જાહેરાત કરી દીધી. મની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના અધ્યક્ષ રહ્યા છે.
સેઠીએ રાજીનામું આપતા કહ્યું, પીસીબીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા માટે હું નવા વડાપ્રધાનના શપથગ્રહણની રાહ જોઇ રહ્યો હતો. હવે મેં રાજીનામું આપી દીધું છે. મારી તરફથી પીસીબીને ખૂબ શુભકામનાઓ. આશા રાખું છું કે આપણી ક્રિકેટ ટીમ વધુ મજબૂત થશે. ઈદ મુબારક! પાકિસ્તાન જિંદાબાદ! સેઠીએ રાજીનામું આપ્યા પછી એમ પણ કહ્યું કે હવે ઇમરાન ખાને પીસીબીની જવાબદારી પોતાના ખભા પર લેવી જોઇએ.
નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય વનડે સીરીઝ જાન્યુઆરી 2013માં થઇ હતી. તેને ભારતે 3-1થી જીતી લીધી હતી. જોકે, બંને દેશો વચ્ચે છેલ્લી મેચ જૂન 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાઇ હતી. તેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.