ખંભાળિયામાં ભૂગર્ભ ગટર યોજના અને રસ્તાના કામોમા ભ્રષ્ટાચારની રાવ

ખંભાળિયા, તા.21
ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે ચારેક વર્ષથી ચાલી રહેલા પાઇપ લાઇનના કામો તથા રસ્તાઓની હલકી ગુણવત્તા સંદર્ભે વ્યાપક ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કામો આશરે 45 થી 50 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયા છે. ત્યારે ખૂબ જ ધીમી ગતિએ ચાલતા આ કામો ચાર વર્ષે પણ પૂરા થયા નથી. આટલું જ નહિં, ભૂગર્ભ ગટરની કામગીરીમાં માલ-સામાન હલકી ગુણવત્તાવાળા ઉપયોગમાં લેવાયા ગંભીર આક્ષેપો નગરપાલિકાના વિપક્ષી સદસ્યો દ્વારા કરવામાં આવ્યા છે.
આટલું જ નહિં, ભુગર્ભના હાઉસ કનેક્શનો પણ યોગ્ય લેવલમાં ન હોવા ઉપરાંત ચેમ્બરોની લાઇનો લેવલ વગરની હોવા ઉપરાંત નબળી ગુણવત્તાવાળા ઢાંકણાઓ પણ વારંવાર તૂટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ મુદ્ે વિપક્ષના પૂર્વ નેતા સુભાષ પોપટ દ્વારા સમયાંતરે અવાર-નવાર પાલિકાના સત્તાધીશો સમક્ષ લેખીત તથા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે.
આ અધુરી અને ભ્રષ્ટાચાર સમાન ભૂગર્ભ ગટર યોજના નગરપાલિકા સત્તાવાળાઓએ ન સંભાળવી જોઇએ તેવો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરી, પૂર્વ વિપક્ષી નેતા દ્વારા પાલિકા દ્વારા જો આ ભ્રષ્ટાચારમાં યેન-કેન પ્રકારે સહભાગી થશે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી લેખિત ચીમકી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા કારોબારી ચેરમેનને આપવામાં આવી છે. આ પત્રની નકલ ઉચ્ચકક્ષાએ પણ મોકલવામાં આવી છે.