દેશના અર્થતંત્રને અસાધ્ય આંચકા ખમવા પડે એવી કેરળ જેવી કુદરતી હોનારતો

કેરળની અભૂતપૂર્વ કુદરતી આફતો અને કાળઝાળ વરસાદી જળ હોનારતોએ દેશના અર્થતંત્રને જબરા આર્થિક આંચકા આપ્યા છે.
નવી દિલ્હીનો બેંકોના એનપીએની અતિ બૂરી હાલત દર્શાવતો અહેવાલ એટલે સુધી દર્શાવે છે કે દેશની બેંકીંગ સીસ્ટમમાં સતત વધતા જતા નોન પર્ફોમીંગ એસેટસ (એનપીએ) મુદે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને તેનો અભિપ્રાય આપવા સંસદીય કમીટીએ આમંત્રણ આપ્યું છે. અગાઉ કમીટી સમક્ષ હાજર થયેલા કેન્દ્રના આર્થિક બાબતોનાં સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે બેંકોના એનપીએ સમસ્યાને ઓળખવાનું કામ રાજને જ કર્યું હતુ અને તેઓએ તેનો ઉકેલ પણ આપ્યો હતો જોકે તેનો બેંકોએ કેટલો અમલ કર્યો તે પ્રશ્ર્ન છે.
કેરળમાં નિર્માણ પામેલી વિનાશક પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવી હોવાનું કેન્દ્રના ગૃહ ખાતાએ સોમવારે કહ્યું હતું. પૂરની તીવ્રતા અને ભેખડો ધસી પડવાની ઘટનાના પ્રમાણને ધ્યાન પર લેતાં આ કુદરતી આફત હોવાનું ગૃહ ખાતાએ કહ્યું હતું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યમાં નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિ અને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. કેરળમાં પૂરની પરિસ્થિતિને કારણે ઓછામાં ઓછાં 216 જણે જીવ ગુમાવ્યો હોવા ઉપરાંત 7.24 લાખ કરતા પણ વધુ લોકોને 5645 જેટલી રાહત છાવણીઓમાં આશરો આપવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. કેરળમાં નિર્માણ પામેલી વિનાશક પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવી હોવાની સાથેસાથે રાજ્ય સરકારને રાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કેરળમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા કેન્દ્ર સરકાર પણ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)ની વધુ સહાય લેવા અંગે વિચારણા કરી રહી છે. કેલામિટી રિલીફ ફંડ (સીઆરએફ)ની પણ રચના કરી દેવામાં આવી છે અને તેનાં કોર્પસ ફંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો 3:1 હિસ્સો હશે.
સીઆરએફના સ્રોતો અપૂરતા જણાશે તો તેવા સમયે નેશનલ કેલામિટી કોન્ટિજન્સી ફંડ (એનસીસીએફ) પાસેથી વધારાની સહાય લેવા અંગે વિચારણા કરવામાં આવશે. એક વાર કેરળમાં પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવ્યા બાદ અસરગ્રસ્ત લોકોને નવી લોન આપવા ઉપરાંત લોનની ચુકવણીમાં રાહત આપવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
કેરળમાં વરસાદનું જોર ઘટ્યું હોવાથી કેરળવાસીઓને થોડો હાશકારો થયો છે. પણ, હવે વરસાદમાં મૃત્યાંક 216 પર પહોંચ્યો છે. ઘરવિહોણા લોકોના પુનવર્સન અને પાણીજન્ય રોગચાળાને નાથવાના ભગીરથ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. કુદરતી આફતમાં બે-ઘર થયેલા 7.24 લાખ લોકો રાજ્યમાં 5,645 રાહત છાવણીમાં આશ્રય લઈ રહ્યા છે.
સશસ્ત્ર દળના સધર્ન કમાન્ડના વડા લેફ. જનરલ ડી.આર. સોનીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બચાવની કામગીરી હજુ ચાલી રહી છે. સહેલાઈથી પહોંચી ન શકાય એવા અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા ડ્રોન્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે લોકોના સંપૂર્ણ પુનર્વસનના મામલે ધ્યાન આપી રહ્યા છીએ. સશસ્ત્ર દળના 1,500 કર્મી બચાવની કામગીરી કરી રહ્યા છે. મકાનોની છત પર અટવાયેલા લોકોને લશ્કરના હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવી રહ્યા છે.
સરકારે ઉદ્યોગપતિઓ અને વ્યાપારિક સંસ્થાઓને માનવતાનાં ધોરણે તેઓ જે કાઇ મદદ કરવા માગતા હોય એ પૂરગ્રસ્ત કેરળને કરવા જણાવ્યું હોવાની વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઔદ્યોગિક પ્રધાન સુરેશ પ્રભુએ જણાવી હતી.
મુલકી ઉડ્ડયન મંત્રાલય પણ સંભાળતા પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક વિમાન કંપનીઓને કેરળ લઇ જવાતા માલને મફતમાં લઇ જવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને લીધે 200થી વધુ લોકોનાં મોત થયા હતા અને 7.24 લાખ લોકો બેઘર બન્યા હતા.
કેરળમાં રાહત અને બચાવ મામલે કોઇ જાતની રાજરમત રમવાનો ઉદ્દેશ ન હોવાનું જણાવતા પ્રભુએ જણાવ્યું હતું કે સરકારે ઉદ્યોગપતિઓ અને સીઆઇઆઇ તથા ફિક્કી જેવી વ્યાપારિક સંસ્થાઓને તેઓ પૂરગ્રસ્ત કેરળના લોકોને જે રીતે મદદ કરવા ઇચ્છતા હોય એ રીતે મદદ કરવાની સલાહ આપી છે. અમે રાહત સામગ્રી ભેગી નથી કરી રહ્યા, પણ અમે ફક્ત સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. આ રીતે વસ્તુઓ ભેગી કરીને એના પર અમારો સિક્કો મારવાનો શો અર્થ છે? અમે આ મામલે કશી રાજનીતિ રમવા નથી માગતા, એમ તેમણે કહ્યું હતું.
પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક વિમાન કંપનીઓને પણ અમે કેરળમાં રાહત માટે મોકલાતા સામાન પર ચાર્જ ન કરવા જણાવ્યું છે, પણ એ સામાન ત્યાં કોઇ લેવાવાળું હોવું જોઇએ. આ બધુ અમે માનવતાના ધોરણે કરી રહ્યા છીએ. આ બહુ દુ:ખદ અને કમનસીબ ઘટના છે. અમે ઇચ્છીએ છીએ કે કેરળ જેમ બને એમ ઝડપથી ફરી બેઠું થઇ જાય, એમ તેમણે કહ્યું હતું.
આ સિવાય ગુજરાત રાજય પણ કુદરતી આફતને અનુલક્ષીને કેન્દ્રની પાસે નોંધપાત્ર મોટી રકમની માંગણી કરી ચૂકયું છે. દેશના અન્ય ભાગોમાં પણ અતિવર્ષા નદીઓમાં ભારે પૂર અને કુદરતી આફતોએ સર્જેલી તારાજીઓએ સર્જેલા આર્થિક નુકશાનનાં આંચકા દેશના હચમચતા અર્થતંત્રે ખમવા પડયા છે.
આબધુ જોતા આગામી સમય એટલે કે લોકસભાની ચૂંટણીના અરસાનાં સમય દેશને માટે આંખે અંધારા આવે તેવો અને અતિશય મોંઘવારીની ભીંસનો બની રહેશે એમ કહ્યા વિના છૂટકો નથી!