એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન’ સ્ટાર્ટ

  • એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન’ સ્ટાર્ટ
    એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન’ સ્ટાર્ટ

ભારતીય રેસલર બજરંગ પુનિયાએ 18મી એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતને ગોલ્ડન સફળતા અપાવતાં 65 કિગ્રા વજન વર્ગની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બજરંગ પુનિયાએ ફાઇનલમાં જાપાનના તાકાતાની દાઇચીને 11-8થી પરાજય આપ્યો હતો.
બજરંગ પુનિયાએ શરૂઆતથી જ આક્રમક રમત દ્વારા જાપાની રેસલર પર 6-0ની લીડ મેળવી લીધી હતી. જાપાની રેસલરે પલટવાર કરતાં તેણે બે પોઇન્ટ મેળવ્યા હતા. તેપછી તાકાતાનીએ પુનિયા સામે સંઘર્ષ કરતાં વધુ બે પોઇન્ટ મેળવી લીડ ઘટાડી 4-6 કરી હતી. તાકાતાનીએ તે પછી પુનિયા પર હાવી થતાં વધુ બે પોઇન્ટ મેળવી 6-6ની બરાબરી મેળવી લીધી હતી. બજરંગ પુનિયાએ પલટવાર કરતાં વધુ બે પોઇન્ટ મેળવી લીડ 8-6 કરી દીધી હતી. તે પછી પુનિયાએ સતત લીડ જાળવી રાખી 11-8થી જીત મેળવી ભારતને પ્રથમ દિવસે જ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
બજરંગે પોતાના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનના રેસલર સિરોજિદ્દીન ખાસાનોવને 13-3થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યોહતો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે તાઝિકિસ્તાનના ફેઝેવ અબ્દુલકાસિમને 12-2થી હાર આપી હતી. અંતિમ ચારમાં માંગોલિયાના બાટમગનાઈ બેટચુલુનને 10-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
પુનિયાએ પોતાની તૈયારી માટે સ્માર્ટ ફોન પર વિશ્વના દિગ્ગજ રેસલરોના વીડિયો જૂએ છે. તેમના દરેક એંગલ પર ધ્યાન રાખતો હતો. બજરંગ પુનિયાએ 2011ની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે 2014માં હંગેરામાં યોજાયેલા વર્લ્ડ કપ મુકાબલામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં બજરંગે સિલ્વર મેડલ જીત્યો હતો. બજરંગે ત્યારબાદ ગત વર્ષે સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં કોરિયાના લી શુંગ ચુલને 6-2થી હરાવી ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયાલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ બજરંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો.