બાંગ્લાદેશી સિવાયના ધૂષણખોરો કેમ દેખાતા નથી ?

  • બાંગ્લાદેશી સિવાયના ધૂષણખોરો કેમ દેખાતા નથી ?
    બાંગ્લાદેશી સિવાયના ધૂષણખોરો કેમ દેખાતા નથી ?

આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (આસામ)ના મામલે દેકારો ચાલુ છે ને ભાજપ વર્સીસ ઓલ જેવો માહોલ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ શનિવારે કોલકાતામાં રેલી કરી આવ્યા ને તેમાં તેમણે આ જ મુદ્દો ઉઠાવ્યો. બંગાળમાં મમતા બેનરજી જામી ગયેલાં છે ને તેમને ઉખાડી ફેંકવા ભાજપ બધું જોર લગાવી રહ્યો છે. બંગાળ ને આસામ બંને ઠેકાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો બરાબરનો ગાજે છે ને અત્યારે આ મુદ્દો હાથવગો છે તેથી અમિત શાહે કોલકાતામાં ભારે હાકલાપડકારા કરી નાખ્યા. બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દાને તેમણે દુર્ગાપૂજા સાથે જોડી દીધો ને ધમકી પણ આપી દીધી કે દુર્ગાવિસર્જન નહીં કરાય તો અમે બંગાળની વિધાનસભા પર હલ્લાબોલ કરી દઈશું. બીજી બાજુ ભાજપ વિરોધી પક્ષો બાંગ્લાદેશીઓના બચાવમાં લાગેલા છે ને આ બચાવ કરવાના ઉત્સાહમાં તેમને પોતે શું ભરડે છે તેનું પણ ભાન નથી. એ લોકો એવા લવારા કરે છે કે જે સાંભળીને આઘાત લાગી જાય. કોંગ્રેસના સાંસદ ચરણદાસ મહંતે આવો જ આઘાતજનક લવારો કર્યો છે. ચરણદાસના કહેવા પ્રમાણે, આ દેશ અતિથિ દેવો ભવની પરંપરામાં માને છે એ જોતાં દેશમાં આવેલા કોઈને પણ કાઢી ના મૂકવા જોઈએ. મહંતના મતે ઈન્દિરા ગાંધીના સમયમાં ને એ પહેલાં પણ આ દેશમાં જે પણ લોકો આવ્યા તેમને આશ્રય મળ્યો છે. આ લોકોમાં ઘણા ગરીબ હતા ને ઘણા મહેમાન તરીકે આવીને રહી ગયા પણ ને આપણે કોઈને પણ દેશ છોડી જવા કહ્યું નથી ત્યારે અત્યારે પણ આપણે લોકોને આશ્રય આપવો જોઈએ ને તેમનું રક્ષણ કરવું જોઈએ.
ચરણદાસ મહંત છત્તીસગઢના નેતા છે તેથી છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસિંહે ટપ કરતો તેનો જવાબ આપી દીધો. ડો. રમણસિંહે સવાલ કર્યો કે, ભારત કંઈ શેલ્ટર હોમ છે કે જે આવે એ અહીં જામી જાય ને ધામા નાખીને પડી રહે ? આ દેશને તમે ધર્મશાળા બનાવી દેવા માગો છો ? રમણસિંહના કહેવા પ્રમાણે લોકો બળજબરીથી અહીં ઘૂસી આવે છે ને પછી આ દેશનાં સંશાધનો પર હક કરીને બેસી જાય છે એ
ચલાવી ના લેવાય. આ લોકોએ આ દેશને છોડીને જવું જ પડે ને કોંગ્રેસ દેશને કઈ દિશામાં લઈ જવા માગે છે એ જ ખબર પડતી નથી.
આમ તો ચરણદાસ મહંત ને ડો. રમણસિંહ બંને એવા મોટા નેતા નથી કે તેમની વાતને બહુ મહત્ત્વ અપાય. સામાન્ય સંજોગોમાં તેમની વાતની કોઈ નોંધ પણ ના લે. અત્યારે માહોલ જુદો છે ને આ દેશમાં ઘૂસણખોરી કરીને જામી ગયેલા લોકોનો મુદ્દો બહુ ગાજી રહ્યો છે. રાજકીય રીતે પણ આ મુદ્દો એકદમ સંવેદનશીલ છે ને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો છે તેના કારણે આ બંને ફાસફૂસિયા નેતાઓની વાતને પણ ગંભીરતાથી લેવી પડે તેમ છે. ચરણદાસ મહંતને બાંગ્લાદેશીઓ પર કેમ હેત ઉભરાયું છે એ કહેવાની જરૂર નથી. બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીં દાયકાઓથી ધામા નાખીને પડ્યા છે ને મતબેંક બની ચૂક્યા છે. આપણે ત્યાં મતબેંકનું રાજકારણ એટલું ગંદું છે કે મતબેંકની વાત આવે ત્યારે દેશનું હિત કે દેશની સુરક્ષાની વાત પણ કોઈ ગણકારતું નથી. ઘૂસણખોરોના મામલે પણ એ જ થઈ રહ્યું છે ને કોંગ્રેસ સહિતના સેક્યુલર જમાતના પક્ષોને આ ઘૂસણખોરો પર હેત ઉભરાયું છે તેનું કારણ મતબેંકનો મામલો છે. મહંતને કે બીજાને અત્યારે અતિથી દેવો ભવને એ બધી વાતો યાદ આવે છે તેનું કારણ એ નથી કે તેમને ભારતીય સંસ્કૃતિ પર પ્રેમ છે, તેમને મતબેંક વહાલી છે એટલે આ બધું યાદ આવે છે.
જો કે આ બધા પક્ષો સુધરવાના નથી તેથી તેમની વાત કરવાનો અર્થ નથી પણ ડો. રમણસિંહે કહેલી વાત સો ટકા સાચી છે. આ દેશ ધર્મશાળા નથી જ ને ગમે તે આલિયા, માલિયા, જમાલિયા અહીં આવીને જામી જાય ને આપણા સંશાધનો વાપરે એ ના જ ચાલે. સંશાધનોમાં પાણી, ગેસ, પેટ્રોલ સહિતના કુદરતી સ્રોત પણ આવી ગયા ને રોડ-રોજગારી સહિતની બાબતો પણ આવી ગઈ. આમ પણ આપણે ત્યાં વસતી વિસ્ફોટ છે જ ને એ સમસ્યા એટલી વિકરાળ છે કે શું કરવું તેની ગમ જ આપણને નથી પડતી. આપણી પાસે કુદરતી સંસાધનોની કમી નથી પણ એક તો આપણા રાજકારણીઓમાં વેતો નથી ને બીજું આપણી વસતી બહુ વધારે છે તેમાં આપણું પૂરું જ પડતું નથી. પાણી હોય કે પેટ્રોલ, રહેણાંક હોય કે રોજગારી, આપણે ત્યાં બધું ઓછું જ પડે છે. આ બધી ચીજોનો કકળાટ મચેલો જ હોય છે. હવે તેમાં આ બહારથી આવીને માથે પડેલા મહેમાનોનો બોજ આપણે વેંઢારીએ છીએ ને તેમાં જ આપણે પતી ગયા છીએ. આપણે ત્યાં આ મામલે બહુ ચર્ચા થતી નથી ને થાય તો પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો પૂરતી વાત થાય છે પણ વાસ્તવમાં આ દેશમાં બાંગ્લાદેશીઓ સિવાયની બીજી ઘણી પ્રજા આવીને પડી છે ને દાયકાઓથી પડી છે. આ બધા જ લોકો માથે પડેલા નથી પણ તેના કારણે આપણા સંશાધનો વપરાય જ છે.
આપણે ત્યાં રોજગાર કે પછી કુદરતી સંશાધનોમાં એ લોકો ભાગ પડાવે જ છે. આ દેશમાં આવીને પડેલા લોકોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સૌથી વધારે છે. આપણે ત્યાં તંત્રનાં ઠેકાણાં નથી તેથી ખરેખર બહારના કેટલા લોકો અહીં આવીને જામી ગયા તેનો હિસાબ નથી. બાંગ્લાદેશીઓ પણ કેટલા છે તેનો આપણી પાસે આંકડો નથી પણ એક અંદાજ એવો છે કે ઓછામાં ઓછા 3 કરોડ બાંગ્લાદેશીઓ આ દેશમાં ધામા નાખીને પડેલા છે. પહેલાં બાંગ્લાદેશીઓ આસામ ને પશ્ર્ચિમ બંગાળ જેવાં રાજ્યો પૂરતા મર્યાદિત હતા પણ હવે તો આખા દેશમાં ફેલાઈ ગયા છે. દેશનાં મોટાં મોટાં શહેરોમાં તેમની આખેઆખી ઝૂંપડપટ્ટીઓ બની ગઈ છે તેથી આ આંકડો પણ નાનો હોય એવું બને. બાંગ્લાદેશીઓ સિવાય પાકિસ્તાનીઓ પણ મોટા પ્રમાણમાં અહીં ધામા નાખીને પડ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં મોટા ભાગના મુસ્લિમ છે તો પાકિસ્તાનીઓમાં મોટા ભાગના હિન્દુઓ છે તેથી એ ખરેખર કેટલા છે એ જ ખબર પડતી નથી. હિન્દુ વસતીમાં ભળી જઈને એ લોકો વરસોથી અહીં રહે છે ને મોટા ભાગના તો બાંગ્લાદેશીઓની જેમ અહીં રેશનકાર્ડ ને મતદાર કાર્ડ સુધ્ધાં કઢાવીને નાગરિકો પણ બની ગયા છે. એ બધા હિન્દુઓ છે તેથી તેમની સામે કોઈ વાંધો લેતું નથી પણ એ લોકો આપણા હકનું ખાઈ તો જાય જ છે. એ જ સ્થિતિ નેપાળનાં લોકોની છે.
ભારતમાં નેપાળીઓ પણ મોટી સંખ્યામાં છે. બંગાળના દાર્જિલિંગની આસપાસ આઝાદી પહેલાંથી ગોરખા રહેતા હતા.
એ બધા ભારતીયો છે પણ પછી નેપાળથી આવી આવીને બીજા કેટલાય ત્યાં રહેવા લાગ્યા ને અત્યારે એ હાલત છે કે તેમાં ભારતીય ગોરખા કયા ને નેપાળી કયા એ જ ખબર પડતી નથી. નેપાળીઓ પણ આખા દેશમાં ફેલાઈ ગયા છે ને આ દેશનું કોઈ એવું શહેર નહીં મળે કે જ્યાં નેપાળીઓએની વસતી ના હોય. મોટા ભાગનાં ગામોમાં પણ નેપાળીઓ મળી આવે છે. નેપાળીઓ પણ હિન્દુ છે તેથી તેમનો મુદ્દો પણ ઉઠતો નથી. એ જ રીતે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો પણ માથે પડેલા છે. તેમની વસતી પણ દસેક લાખ હોવાનું કહેવાય છે પણ રામ જાણે ખરેખર કેટલા હશે. ચીને તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે દલાઈ લામા સાથે ભાગીને તિબેટિયનો અહીં આવેલા.
પછી તેમનો પ્રવાહ જ શરૂ થઈ ગયો ને તેમની વસતી પણ અત્યારે લાખોમાં હશે. હવે તો ચીના પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ બધાં લોકોની કુલ વસતી કેટલી હશે તે ખબર નથી પણ આ દેશની વસતીમાં પાંચ ટકા કરતાં વધારે વસતી તો આ લોકોની જ છે.
આ વસતીને આપણે કદી અહીંથી કાઢી શકીએ એમ નથી એ જોતાં આ દેશ ખરેખર તો પહેલાં જ ધર્મશાળા બની ચૂક્યો છે.
ભાજપ આ લોકોનો મુદ્દો ઉઠાવે છે પણ એ તેમને કાઢવા કશું કરતો નથી. ભાજપ રાતોરાત તેમને કાઢી શકે તેમ નથી પણ કમ સે કમ આ દેશમાં કેટલા બહારના લોકો છે તેનો સર્વે કરાવીને લોકો સામે સાચી વાત મૂકે તો પણ ઘણું.
કોંગ્રેસે આટલાં વરસોમાં શું કર્યું તેની તો લોકોને ખબર પડે ને ?