મહેસાણામાં માલધારી સમાજની રેલી ઉગ્ર થતાં પોલીસનો લાઠીચાર્જ

  • મહેસાણામાં માલધારી સમાજની રેલી ઉગ્ર થતાં પોલીસનો લાઠીચાર્જ
    મહેસાણામાં માલધારી સમાજની રેલી ઉગ્ર થતાં પોલીસનો લાઠીચાર્જ

મહેસાણા, તા.10
મહેસાણાના રાજપુરથી નંદાસણ સુધી માલધારી સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલી હિંસક બની હતી. રેલી દરમ્યાન પોલીસ અને માલધારી વચ્ચે ઘર્ષણ થયુ હતુ, રેલીમાં પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી હાઈવે પરના ટોળા વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઉગ્ર બનેલી રેલી દરમ્યાન 50 જેટલા લોકોની અટકાયત પણ કરી હતી. પોલીસે મોટી સંખ્યામાં વાહનોને ડિટેઈન કર્યા હતા. આ મામલે નંદાસણ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ગત 25 તારીખે મહેસાણાના કડી પાસે ગૌરક્ષકની કસાઈઓએ હત્યા કરી હતી. જેથી રોષે ભરાયેલા માલધારી સમાજે હત્યાના આરોપીને કડક સજા કરવાની માગ સાથે નંદાસણ પોલીસ સ્ટેશન સુધી રેલીનું આયોજન કર્યુ હતું. આ પહેલા વિરમગામમાં માલધારી સમાજ દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.
કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે શુક્રવારે યોજેલી રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો.