શેરબજારમાં સબ બ્રોકર પ્રથા બંધ

  • શેરબજારમાં સબ બ્રોકર પ્રથા બંધ
    શેરબજારમાં સબ બ્રોકર પ્રથા બંધ

મુંબઇ તા.10
સિક્યુરિટી એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ દેશના શેર બજારોમાંથી સબ બ્રોકરોની પ્રથાનો અંત લાવવા માટે નિર્ણય લીધો છે. જેના પગલે સબ બ્રોકરોને આગામી 31મી માર્ચ 2019 પહેલાં સેબીમાંથી ઓથોરાઇઝડ પરશન તરીકે રજિસ્ટ્રેશન મેળવી લેવું પડશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ વગેરે શહેરોના સબ બ્રોકરોને આગામી 31મી માર્ચ પહેલા સેબીના નવા નિર્ણય મુજબ પગલાં ભરવા પડશે. રાજ્યમાં 1000 ઉપરાંત સબ બ્રોકરોને આ કાર્યવાહી કરવી પડશે. સેબીએ લીધેલા નિર્ણયના પગલે હવે કોઇ વ્યક્તિને નવા સબ બ્રોકર તરીકે રજિસ્ટ્રેશન પણ આપવામાં નહિ આવે. હાલના માળખા મુજબ રેગ્યુલેટર એટલે કે સેબીમાંથી બ્રોકર અને સબ બ્રોકરોએ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જ્યારે ઓથોરાઇઝડ પરશનને સંબંધિત શેર બજારમાંથી રજિસ્ટ્રેશન મેળવવું પડે છે. ઉલ્લેખનીય છેકે, 2004માં જ સેબીએ સબ બ્રોકર પોતાના કોન્ટ્રાક્ટ ન આપી શકે તેવા નિયમનો અમલ કરાવ્યો હતો. જેના પગલે હવે સબ બ્રોકર જે કોન્ટ્રાક્ટ નોટ આપે છે તે બ્રોકરના નામની જ હોય છે. ઓથોરાઇઝડ પરસન અને સબ બ્રોકરની ભૂમિકા એક જ હોય છે. સબ બ્રોકરની કામગીરી સિક્યુરિટીમાં કામ કરવા માટે રોકાણકારોને સહાયરૂપ થાય છે. આ કામગીરી બ્રોકર વતી તે કરે છે. ગત જૂન માસમાં સેબીએ શેર બજારમાં મધ્યસ્થી તરીકે સબ બ્રોકરની પ્રથાનો અંત લાવવા માટે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. આ ઉપરાંત નવા કોઇ જ સબ બ્રોકરના રજિસ્ટ્રેશન ન કરવા નિર્ણય લીધો હતો. જે અરજીઓ પર નિર્ણય બાકી હોય તે પરત સંબંધિત સ્ટોક એક્સજોંજ દ્વારા અરજદારોને મોકલવા પણ નિર્ણય લીધો હતો.