ગુજરાતમાં ઉદ્યોગોને વીજળી સસ્તી !

ગાંધીનગર તા,10
કેન્દ્ર સરકારની નવી ઔદ્યોગિક નીતિના આધારે ગુજરાત સરકાર પણ તેના ઉદ્યોગોને અપાતી વીજળીના ભાવમાં ધરખમ ઘટાડો કરે તેવી સંભાવના છે. ઓગસ્ટના અંત સમયમાં કેન્દ્રની નવી ઉદ્યોગો નીતિની જાહેરાત કરવામાં આવ્યા પછી ગુજરાત સરકાર તેનો અભ્યાસ કરીને નીતિની જોગવાઇનું ગુજરાતમાં પણ અમલીકરણ કરશે. ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીએ આ નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે ગુજરાતની ઔદ્યોગિક નીતિમાં વાયબ્રન્ટ સમિટ પહેલાં કેટલાક સુધારા કરવામાં આવી શકે છે જેમાં
કેન્દ્રની નીતિ પ્રમાણે ગુજરાત પણ ફેરફારો કરી શકે છે.
કેન્દ્રની નવી ઉદ્યોગ નીતિ હેઠળ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલ જેવી કેન્દ્ર અને રાજ્યોને સમાવી લેતી એક સંસ્થા રચવામાં આવશે. તેનું કામ ઝડપી નિર્ણયો લેવાનું અને મહત્ત્વના સુધારા કરવાનું હશે. તેમાં શ્રમ કાયદામાં સુધારો, ટેક્સ જોગવાઈઓ અને લેન્ડ લીઝિંગ વગેરે આવરી લેવાશે. અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રની પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં તેને કેબિનેટની વિચારણા માટે મોકલવામાં આવે તેવી શક્યતા છે.
નવી નીતિ હેઠળ ઔદ્યોગિક વીજળીના દર ઘટાડવા માટે રહેણાક અને કૃષિ વપરાશ માટે વીજળીનો ખર્ચ સીધો ટ્રાન્સફર કરવામાં આવશે. તેમાં ધિરાણ તથા કેશ ફ્લો માટે એક ખાસ પ્લેટફોર્મની રચના કરવામાં આવશે. ગુજરાત સરકાર પણ તેનો અમલ કરે તેવી સંભાવના છે. રહેણાક અને કૃષિ સેક્ટર માટેની વીજળીમાં સબસિડી મળતી હોવાથી ઉદ્યોગ માટેની વીજળીના દર ઊંચા છે. આ દર ઘટાડવા એ પોલિસીનો હેતુ છે અને તેનાથી બિઝનેસ કરવામાં મૂડીખર્ચમાં ઘટાડો થશે. ઉદાહરણ તરીકે વીજળીના ઊંચા ભાવના કારણે એલ્યુમિનિયમનું ઉત્પાદન બિનસ્પર્ધાત્મક બન્યું છે.
આ સરકારી અધિકારીએ કહ્યું કે, ઉદ્યોગોને વધારે સ્પર્ધાત્મક બનાવવા હોય તો બિઝનેસ કરવાનો ખર્ચ ઘટાડવો જરૂરી છે. પ્રસ્તાવિત પોલિસીમાં ત્રણ પાયા પર ભાર મૂકવામાં આવશે. સ્પર્ધાત્મકતા, ટકાઉપણું અને સમાવેશીતા. એનડીએ સરકારે સ્થાનિક ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરી છે જેનાથી દેશમાં ઉદ્યોગસાહસિકતામાં વધારો થશે. ત્યારબાદ એક સંપૂર્ણ ઔદ્યોગિક નીતિ ઘડવા માટે વિચારણા શરૂ થઈ છે.
પ્રસ્તાવિત જીએસટી કાઉન્સિલ જેવી સંસ્થાથી રાજ્ય સરકારના સ્તરે કામગીરી ઝડપી બનશે. તેનું નેતૃત્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી કરશે તથા રાજ્યોના ઉદ્યોગમંત્રીઓ તેમાં સભ્ય તરીકે સામેલ હશે. આ નીતિ હેઠળ દેશમાં રિચર્સ અને ડેવલપમેન્ટને ઉત્તેજન આપવા માટે એક ફ્રેમવર્ક ઘડાશે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને બિઝનેસ વચ્ચે એક ઇન્ટરફેસ રચાશે. ગુજરાતમાં જાન્યુઆરી 2019માં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાવાની છે ત્યારે ગુજરાતની હાલની ઔદ્યોગિક નીતિમાં ફેરફારોને અવકાશ છે ત્યારે કેન્દ્રની નીતિ જાહેર થયા પછી ગુજરાત સરકાર તેની જોગવાઇઓને ગુજરાતની પોલિસીમાં ઉમેરી શકે છે.