ટ્રાફિક પોલીસને અસલી ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવવું જરૂરી નથી

નવીદિલ્હી તા,10
હવે ટ્રાફિક પોલીસને ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય દસ્તાવેજોની ઓરિજિનલ કોપી આપવાની જરૂર નહીં પડે, તેના માટે તમારે મોબાઈલ ફોનમાં રહેલા દસ્તાવેજોની ઈ-કોપી બતાવવી પૂરતી છે. કેન્દ્રના વાહન-વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને નિર્દેશ કરાયો છે કે તેઓ વેરિફિકેશન માટે દસ્તાવેજોની ઓરિજિનલ કોપી ના માગે.
આઈટી એક્ટની જોગવાઈને રજૂ કરીને વાહન-વ્યવહાર મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્યોના વાહન-વ્યવહાર વિભાગોને કહ્યું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટ્રીફિકેટ અને ઈન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરિજિનલ કોપી વેરિફિકેશન માટે ન માગવામાં આવે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડિજિલોકર કે વાહન-વ્યવહારની એપમાં રહેલા દસ્તાવેજની ઈલેક્ટ્રોનિક કોપી માન્ય રહેશે. તેનો મતલબ એવો થયો કે ટ્રાફિક પોલીસ હવે તમારા મોબાલઈમાં રહેલા રહેલા દસ્તાવેજથી કામ ચલાવી લેશે. તેમને ઓરિજિનલ દસ્તાવેજ આપવા નહીં પડે.
ઘણી વખત એવું થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બાદ પોલીસ ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજ પોતાની પાસે રાખે છે.
આ પછી દસ્તાવેજ ગાયબ થઈ જવાની ઘટના બને છે અને વાહન ચાલક દ્વારા ફરિયાદ કર્યા પછી પણ દસ્તાવેજ પાછા મળતા નથી. કેન્દ્રીય મંત્રાલયની એડવાઈઝરી મુજબ ઈ-ચલાણ સિસ્ટમથી વાહન કે સારથી ડેટાબેઝથી પોલીસ તમામ માહિતી લઈ શકે છે. દસ્તાવેજોની હાર્ડ કોપી જમા કરાવવાની જરુર નહીં રહે.
મંત્રાલયનું કહેવું છે કે આઈટી એક્ટ 2000 મુજબ ડિજિલોકર કે વાહન-વ્યવહાર મંત્રાલયમાં રહેલા દસ્તાવેજનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ પણ માન્ય છે.
કહેવાયું છે કે મોટર વેહિકલ એક્ટ 1988માં પણ ઈલેક્ટ્રોનિક રીતે દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી હતી. વર્તમાનમાં ડિજિલોકર એપ તમામ ફોનમાં રહેશે પણ વાહન-વ્યવહાર હજુ માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે 7થી 10 દિવસની અંદર એપલ આઇઓએસ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થઈ જશે. એડવાઈઝરીએ કહ્યું છે કે ઘણા લોકોને આરટીઆઇના માધ્યમ દ્વારા પણ સવાલ કર્યા છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ડિજિટલ ફોર્મેટને માન્ય શા માટે નથી કરવામાં આવી રહી.