મરાઠા અનામત આંદોલન વિકરાળ બનશે: પછી ગુજરાતીઓ મેદાને ?

‘અનામત’ના રાજકારણે હવે માઝા મૂકી છે. એક પછી એક રાજયો આવાં રાજકારણની જવાળામાં હોમાતાં જાય છે, અને એનો અંત કયારે આવશે તેમજ કેવો આવશે એ કહેવું હવે આસાન રહ્યું નથી.
અત્યારે મરાઠા આંદોલને મુંબઈ-મહારાષ્ટ્રને અજગર-ભરડો લીધો હોવાનો ખ્યાલ ઉપસે છે!
મુંબઈનો અહેવાલ દર્શાવે છે એ મુજબ, મહારાષ્ટ્રમાં સકલ મરાઠા મોરચાએ ચેતવણી આપતાં જણાવ્યું હતુ કે, સરકાર મરાઠા સમાજની સર્વ માગણીઓનો સ્વીકાર નહીં કરે તો સાતમી ઓગસ્ટથી રાજ્યભરમાં અનામત આંદોલન શરૂ કરાશે.
આંદોલનની શરૂઆત પરળીથી થઈ હોવાથી સરકાર પરળીમાં આવીને ચર્ચા કરશે તો જ ચર્ચા થશે. અમારી કોઈપણ સમન્વય સમિતિ સરકાર સાથે ચર્ચા માટે જશે નહીં.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને અનામત સમયસર આપવાનો પ્રયાસ કરાશે.
રાજ્ય સરકાર જ્યાં સુધી લેખિતમાં આશ્વાસન આપતી નથી ત્યાં સુધી પરળીમાંનું આંદોલન સ્થગિત થશે નહીં. બહારથી આવેલાં લોકોએ આચરેલી હિંસાને ધ્યાનમાં રાખીને આંદોલનકારોએ કોઈપણ ખાનગી, સરકારી વાહનોને નુકસાન ન કરવાનું તેમજ આગામી સમયનું આંદોલન ઠિય્યા સ્વરૂપે જ કરાશે એવં આહ્વાન કર્યું છે.
જે સાંસદ-વિધાનસભ્ય મરાઠા સમાજના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવાના નથી તેમને સમાજમાં કોઈપણ સ્થાન નહીં મળે એવો સંકેત સકલ મરાઠા મોરચાએ વિધાનમંડળ અને સંસદના મરાઠા પ્રતિનિધિને આપ્યો હતો. સરકારે ચંદ્રકાંત પાટિલનાં નેજા હેઠળ નિમણૂક કરેલી મરાઠા અનામત બાબતે રચેલી સમિતિને રદ કરવાની માગણી પણ આ સંગઠને કરી હતી.
તા.7મી આડે હવે ત્રણ જ દિવસ બાકી છે. એનો અર્થ એ જ કે, મુંબઈમાં ચાલી રહેલું આ આંદોલન જો હવે કશીજ નવાજૂની વિના ચાલુ જ રહેશે તો તે વધુ વકરવાનો અને હિંસક બનવાનો સંભવ છે!
આધારભૂત વર્તુળે જણાવ્યા મુજબ, હમણા સુધી આ આંદોલન સંબંધમાં મકકમ અને સખ્ત વલણ ધરાવતા રહેલા મુખ્યમંત્રી શ્રી ફડનવીસ વર્તમાન પરિસ્થિતિમાં નરમ પડયા છે અને આ મામલો વહેલામાં વહેલી તકે સમેટાઈ જાય એમ વિચારતા થયા છે.
આંદોલનકર્તાઓ સાથે તેમની માગણીઓ સબંધમાં મંત્રણા કરવા તેઓ તૈયાર થયા હોવાનો નિર્દેશ સાંપડે છે?...
અનામત અંગેની મરાઠી સંગઠનની માગણીનો જો તે દબાણ હેઠળ સ્વીકાર કરશે તો મરાઠાઓની જેમ ગુજરાતીઓનો નાનો મોટો
વર્ગ પણ આવી જ માગણી કરવા પ્રેરાશે અને મહારાષ્ટ્રનાં આંદોલનને આગળ ધરીને ગુજરાતમાં પણ આજ પ્રકારની માગણીઓ સાથે જંગે ચઢવા પ્રેરાશે!
મહારાષ્ટ્રમાં મરાઠી પ્રજા જાતિવાદના ઘોડે ચડે, આંદોલન કરે, અને તેને જોઈતું મેળવે તો ગુજરાતીઓનો એક વર્ગ પણ આવી જ માગણીઓ સાથે આંદોલન કરવા પ્રેરાય અને મરાઠી આગેવાનોનો સાથ સહકાર લે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
આમ પણ પ્રજા મોંઘવારી, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્ર્વત અને શાસકોના દુરાચારી પગલાઓના ત્રાસથી તેમજ રંજાડથી ગળે આવી ગઈ છે. મુંબઈમાં તો ગુજરાતીઓ ઉપરાંત અન્ય રાજયોમાંથી રોજીરોટી માટે તેમના વતન અને ઘરબાર છોડીને ત્યાંના લોકો આ રાજયોમાં આવ્યા છે!
જો તે નવા હિંસક પ્રવાહીથી દોરવાય તો ભયંકર પરિસ્થિતિ સર્જાય તેમ છે.
મહારાષ્ટ્રના આંદોલનને થાળે પાડવામાં થતો રહેલો વિલંબ કોઈના હિતમાં નથી.. એનો અંત એટલો વહેલો આવશે, તેટલું વધુ સારૂં
લેખાશે!