7મીથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો નિર્ણાયક જંગ

મુંબઇ તા.3
મહારાષ્ટ્રમાં સકલ મરાઠા મોરચાએ ચેતવણી આપતાં જણાવ્યું હતુ કે, સરકાર મરાઠા સમાજની સર્વ માગણીઓનો સ્વીકાર નહીં કરે તો સાતમી ઓગસ્ટથી રાજ્યભરમાં અનામત આંદોલન શરૂ કરાશે. આંદોલનની શરૂઆત પરળીથી થઈ હોવાથી સરકાર પરળીમાં આવીને ચર્ચા કરશે તો જ ચર્ચા થશે. અમારી કોઈપણ સમન્વય સમિતિ સરકાર સાથે ચર્ચા માટે જશે નહીં. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને અનામત સમયસર આપવાનો પ્રયાસ કરાશે. રાજ્ય સરકાર જ્યાં સુધી લેખિતમાં આશ્વાસન આપતી નથી ત્યાં સુધી પરળીમાંનું આંદોલન સ્થગિત થશે નહીં. બહારથી આવેલાં લોકોએ આચરેલી હિંસાને ધ્યાનમાં રાખીને આંદોલનકારોએ કોઈપણ ખાનગી, સરકારી વાહનોને નુકસાન ન કરવાનું તેમજ આગામી સમયનું આંદોલન ઠિય્યા સ્વરૂપે જ કરાશે એવં આહ્વાન કર્યું છે.
જે સાંસદ-વિધાનસભ્ય મરાઠા સમાજના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવાના નથી તેમને સમાજમાં કોઈપણ સ્થાન નહીં મળે એવો સંકેત સકલ મરાઠા મોરચાએ વિધાનમંડળ અને સંસદના મરાઠા પ્રતિનિધિને આપ્યો હતો. સરકારે ચંદ્રકાંત પાટિલનાં નેજા હેઠળ નિમણૂક કરેલી મરાઠા અનામત બાબતે રચેલી સમિતિને રદ કરવાની માગણી પણ આ સંગઠને કરી હતી.