‘કીકી ચેલેન્જે’તો ગામ ગાંડા કર્યા!

નવીદિલ્હી, તા.1
ઇન્ટરનેટ પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં કારમાંથી ઊતરીને એક યુવતી ડાન્સ કરે છે. જે કિકી ચેલેન્જથી વાઇરલ થયો છે. જોકે, આ ચેલેન્જ ખતરનાક પુરવાર થઇ શકે છે. આ વીડિયો વાઇરલ થતા પોલીસની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે પોલીસે ટ્વિટર પર ચેતવણી પોસ્ટ કરી છે. જેને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ રીતે શેયર કરવામાં આવી રહી છે.
કિકી ચેલેન્જ એક કેનેડિયન રેપ સિંગરનું ગીત છે જેને યૂટયૂબ પર 8.2 કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. આ ચેલેન્જડ પ્રમાણે ડ્રાઇવ કરતો વ્યક્તિ ચાલુ કારે ઊતરીને ડાન્સ કરવાનો રહે છે. જ્યારે ગાડીમાં બેઠેલ અન્ય એક વ્યક્તિ તે ડાન્સ કરનાર વ્યક્તિનો વીડિયો ઊતારે છે. આ દરમિયાન કારનો એક દરવાજો ખુલ્લો રહે છે. આ સાથે ગીત ચાલુ રહે છે જેના પર ડ્રાઇવ કરનાર વ્યક્તિ ડાન્સ કરે છે. આ ગીત છે કિકી ડુ યુ લવ મી.આ એક જોખમી ચેલેન્જ છે. જેનાથી અકસ્માત થવાનો પણ ભય રહે છે. આ સ્ટન્ટ માત્ર યુવાનો જ નહીં પણ નાના બાળકો પણ કરી રહ્યા છે. ચેલેન્જ પૂરી કર્યા બાદ વ્યક્તિએ કૂદકો મારીને ગાડીમાં અંદર બેસવાનું રહે છે. ત્યાર બાદ જ આ ચેલેન્જ પૂરી થાય છે.
આ ચેલેન્જને પૂરી કરવા માટે બોલિવૂડના સ્ટાર પણ પ્રયત્ન કરી રહ્યા છે. નોરા ફતેહ અને વરુણ શર્માનો વીડિયો પણ આ રીતે વાઇરલ થયો હતો. જેમાં આ ચેલેન્જ પૂરી કરવામાં આવી હતી. ટ્વિટર અને ફેસબુક પર આ વીડિયો ટ્રેન્ડી બન્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ટ્વિટ કરતા કહ્યું કે, માતા-પિતા કીકી તમારા સંતાનને પ્રેમ કરે કે ન કરે પણ અમને ખાતરી છે કે તમે સંતાનને પ્રેમ કરો છો. તો કિકી ચેલેન્જ સિવાય તેમના જીવનના દરેક પડકારમાં સાથે રહેશો. આ પ્રકારનો મેસેજ મુંબઇ અને ચંદીગઢ પોલીસે પણ મૂકયો હતો. માત્ર ભારત દેશમાં જ નહીં અમેરિકા, મલેશિયા, સ્પેન અને યુએઇની પોલીસે પણ સુરક્ષા સંબંધિત પોસ્ટ શેયર કરી છે.