રાજકોટ મનપાની વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ માટે પસંદગી

રાજકોટ તા.1
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર
(ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્ર્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે; જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા જે પ્રયાસો કર્યા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા 2017-18ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18‘ એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે, જે રાજકોટ શહેર અને મહાનગરપાલિકા માટે ગૌરવની વાત છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
કમિશનરએ વિશેષ માહિતી આપતા એમ કહ્યું હતું કે, 2017-18 ના વર્ષ માટેની વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં 23 રાષ્ટ્રોના 132 શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા 22 શહેરોની વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા વન પ્લેનેટ સિટી ચેલેન્જનો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા.12 સપ્ટે. 2018 ના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આયોજિત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમ્યાન યોજવામાં આવનાર છે.
અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, રાજકોટ શહેરમાં કલાઈમેટ ચેન્જની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પગલાંઓમાં ખાસ કરીને રાજકોટને ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા પર ભાર મુકવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો કે જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગે મહાનગરપાલિકા સતત જાગૃત છે. રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે તમામ 60,000 જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં ક્ધવર્ટ કરેલ છે તેમજ ક્રમશ: વધુ ને વધુ સંકુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીસ એજન્સી ફોર ડેવેલોપમેંટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ કેપેસીટીઝ પ્રોજેકટ અંતર્ગત ક્લાઈમેટ રેઝિલીયન્ટ સીટી એકશન અલાન બનાવેલ છે જેમાં વિવિધ મીટીગેશન તથા એડેપ્ટેશન એકશન નિયત કરેલા છે. જેની વૈશ્વિક કક્ષાએ સરાહના કરવામાં આવી ચુકી છે. રાજકોટ શહેર, ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટફોર્મ પર રજીસ્ટર કરનારા 24 શહેરો પૈકી એક છે. વિવિધ નેશનલ સ્કીમ અને ઇન્ટરનેશનલ પ્રોજેકટ હેઠળ રાજકોટ શહેર ક્લાઈમેટ ચેન્જની દિશામાં કામ કરી રહ્યું હોઈ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અધિક મહત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે.
રાજકોટ યુરોપિયન યુનિયન દ્વારા ફંડ પ્રાપ્ત પ્રમોટિંગ લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી ઇન ઇમર્જિંગ ઇકોનોમી ક્ધટ્રીઝનો ભાગ હતું અને તેનું અમલીકરણ ભારતમાં ઇકલી અને યુ.એન.હેબીટાટ દ્વારા થયું હતું.
રાજકોટ દુનિયાના એ છ શહેરોમાં સમાવિષ્ટ છે જેને સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ બિલ્ડીંગ એફિશિયન્સી એક્સીલેરેટર પ્રોજેકટ અંતર્ગત ટેકનીકલ સહાયતા મળી રહી છે. રાજકોટને યુ.એન.ઈ.પી. દ્વારા ડીસ્ટ્રીકટ એનર્જી સીસ્ટમ ઇન ઇન્ડિયા સિટિઝ પ્રોજેકટ અંતર્ગત ટેક્નીક્લ અને કેપેસીટી બિલ્ડીંગ માટે પણ સહયોગ ઉપલબ્ધ બની રહ્યો છે.
સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો.ઓપરેશન દ્વારા ફંડ પ્રાપ્ત પકેપેસીટીઝ પ્રોજેકટ મારફત સહાયતા મેળવી રહેલા ભારતના 4 શહેરોમાં રાજકોટ પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત જી.આઈ.ઝેડ. દ્વારા ફંડેડ અર્બન નેક્સસ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ માટે વિશ્વના જે 12 શહેરો પસંદ થયેલ છે તેમાં રાજકોટની પસંદગી પણ થઇ ચૂકેલી છે અને તેના ફળ સ્વરૂપે ટેકનીકલ સહાયતા મળી રહી છે.