મનપામાં ભગવતીપરાની મહિલાઓનું હલ્લાબોલ

રાજકોટ તા.1
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારોમાં લોકોની પાયાની જરૂરીયાતો સંતોષાતી ન હોવાથી અનેક વખત લોકોના ટોળાઓ મહાનગરપાલીકામાં આવીને ન્યાય માટે હંગામો બોલાવતા હોય છે. તેવી જ રીતે આજરોજ ભગવતીપરાની 80 થી વધુ મહિલાઓના ટોળાએ રોડ-રસ્તા ડ્રેનેજ અને પુલ સહિતના કામો વર્ષોથી થતા ન હોવાની કાગારોળ કરી ડે. કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી હતી.
શહેરના નદીકાંઠાના વોર્ડ નં.4 ના ભગવતીપરાની 80 થી વધુ મહિલાઓએ આજરોજ કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં મહાનગરપાલીકામાં દેકારો બોલાવી દીધો હતો અને નારેબાજી કરી અમારો વિસ્તાર રાજકોટ શહેરમાં ન આવતો હોય તો લેખિતમાં ના કહી દો તેવું કહી હલ્લાબોલ કરતા મહિલા કોન્સ્ટેબલોએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ટોળાને કાબુમાં લીધો હતો. મહિલાઓએ ડે. કમિશ્નરને રજૂઆત કરી જણાવેલ કે અમારા વિસ્તારમાં ર01ર પછી રોડ બન્યા જ નથી. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતા છેવાડાના વિસ્તાર હોવાથી કયારેય પણ આ વિસ્તારમાં રાજકીય આગેવાનો કે કોર્પોરેશનના અધિકારીઓ ફરકયા નથી. હાલ ચોમાસુ હોવાથી ચારેય બાજુ ગંદકી છવાઇ છે તેમજ ભૂગર્ભ ગટરની સફાઇ ન થવાથી ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે તેમજ ભગવતીપરાથી સરકારી સ્કુલે જતા વોકળા ઉપર આવેલ પુલ ત્રણ વર્ષ પહેલા તુટી ગયો છે છતા પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઇ નથી આથી ચાલુ વરસાદે વિદ્યાર્થીઓને વોકળામાં થઇને જીવના જોખમે સ્કુલે જવું પડે છે.
ભગવતીપરા રાજકોટની હદમાં ન હોય તેમ મહાનગરપાલીકાના અધિકારીઓ દ્વારા કોઇ કામ કરવામાં આવતા નથી તેમજ રાજકીય કાર્યક્રમો શહેરના શિક્ષિત વિસ્તારોમાં થતા હોવાથી આ વિસ્તારમાં કયારેય કાર્યક્રમો ન યોજાતા કોઇ નેતા પણ આ વિસ્તારમાં ફરકતો નથી તેવું રોષપૂર્વક મહિલાઓએ જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ તુટી જવાથી ગટરના પાણી તેમાં ભળી જાય છે. જેના કારણે ખરાબ પાણી લોકોના નળમાં આવે છે અને સૌથી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ આ વિસ્તારમાંથી દવાખાને જાય છે છતા તંત્ર દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે પ્રકારની ઉગ્ર રજૂઆત ડે.કમિશ્નરને કરવામાં આવી હતી.