રજપુતપરામાં ડેગ્યુનો શંકાસ્પદ કેસ

રાજકોટ તા.1
વરસાદી વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મચ્છર ઉત્પતિ માટે કારણભૂત હોય તેવી બાંધકામ સાઇટ સેલાર તેમજ પાણીના ટાંકા અને રહેણાંકના વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રજપુતપરા શેરી નં.6 માં આવેલ હોસ્ટેલમાં રહેતા 18 વર્ષના એક વિદ્યાર્થીને ડેંગ્યુ હોવાનું શંકાસ્પદ લાગતા તેના બ્લડ સેમ્પલ લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમજ એસટી બસ સ્ટેન્ડ અને ચેતના ડાઇનીંગ હોલને નોટીસ તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા રજપુતપરામાં આવેલ ચેતના ડાઇનીંગ હોલના સેલરમાં પુષ્કળ પાણી ભરાયેલા હોય જેમાં મચ્છરના લારવા જોવા મળેલ તેમજ અગાશી ઉપર ખાલી કાચની બોટલોમાં મચ્છર ઉત્પતિ જોવા મળતા ડાઇનીંગ હોલને રૂા.પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેવી જ રીતે ઢેબર રોડ ઉપર નવનિર્માણ એસ.ટી. બસસ્ટેન્ડના બાંધકામ સાઇટ ઉપર પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઇ જવાથી આ સ્થળોએ મચ્છર ઉત્પતિ જોવા મળી હતી તેથી તમામ સ્થળે ઓઇલનો છંટકાવ કરી બસ સ્ટેન્ડ બનાવનાર કોન્ટ્રાકટરને નોટીસ ફટકારવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ રજપુતપરા સહિતના વિસ્તારો તેમજ ઢેબર રોડના વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ કરતા સ્થળોએ ફોગીંગની કામગીરી કરી તેમજ દુકાનોમાં પોરાનાશક ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.