રાજકોટના લોકમેળામાં રમકડા, ખાણીપીણીના સ્ટોલ માટે પડાપડી

રાજકોટ, તા. 1
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી 1 સપ્ટેમ્બરથી પાંચ દિવસ યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં રમકડા અને ખાણીપાણીના સ્ટોલ-પ્લોટ માટે પડાપડી થઈ છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો રહ્યા બાદ આગામી બુધવારથી ત્રણ દિવસ હરરાજી કરવામાં આવશે તેમ કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.
કલેકટર કચેરીના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતું કે મેળામાં કુલ 321 સ્ટોલ પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમાં 10 દિવસ ફોર્મ વિતરણ અને ભરવાની મુદતમાં ગઈકાલે અંતિમ દિવસે 1073 ફોર્મ ભરાયા હતાં. આમ કુલ 10 દિ’માં કુલ 1680 ફોર્મ ભરાયા છે.
વધુમાં મળતી વિગત મુજબ ખાણીપીણીના પાંચ પ્લોટમાં સાત, રમકડાના 178 સ્ટોલ માટે 1340 ફોર્મ ભરાઈને આવ્યા છે કોર્નર રમકડાના 32 પ્લોટ માટે 56 અરજી, નાની ખાણી-પીણીના 14 પ્લોટ માટે 643 ફોર્મ, ઈ-યાંત્રીકના 6 પ્લોટમાં 28 ફોર્મ, એફ-યાંત્રીકના ચાર પ્લોટ માટે 27 ફોર્મ ભરાયા છે.
આ ઉપરાંત જી-યાંત્રીકના 25 પ્લોટ માટે 47, એચ યાંત્રીકના 9 પ્લોટ માટે 34 ફોર્મ, હાથથી ચાલતી મધ્યમ ચકરડીના ચાર પ્લોટ માટે 24, નાની ચકરડી માટે 21 અને આઈસ્ક્રીમના 16 પ્લોટ માટે 20 ફોર્મ ભરાયા છે જયારે સંસ્થા માટેના 26 પ્લોટમાં 12 અરજી આવી છે.
રમકડાના 178, ખાણીપીણીના 14, ચકરડીના ચાર, કોર્નર રમકડાના 32 પ્લોટ માટે આગામી બુધવારે સવારે 11 વાગ્યે ડ્રો અને હરરાજી કરવામાં આવશે. જયારે યાત્રીકના 44 પ્લોટની ગુરૂવારે હરરાજી કરાશે તેમજ આઈસ્ક્રીમના 16 પ્લોટની તા.10મીએ હરરાજી કરવામાં આવનાર છે.
મેળાને પ્લાસ્ટીક ફી બનાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સિગ્નેચર વોલ બનાવવામાં આવશે. મેળાનો 4 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
મેળાના નામ ફાયનલ કરવા માટે 345 એન્ટ્રીઓ આવી છે અને એકાદ દિવસમાં મેળાનું નામ પણ ફાયનલ કરી દેવામાં આવશે.