રાજકોટની ભાગોળે બર્થ-ડે પાર્ટીમાંથી પરત ફરતા મિત્રોને નડેલો અકસ્માત: બેનાં મોત

રાજકોટ તા.1
રાજકોટ નજીક કુવાડવા હાઈ-વે પર માલીયાસણ નજીક ગત રાત્રે સ્કોર્પીયો પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મિત્રનો જન્મદિવસ ઉજવીને આવતા રાજકોટના મામા-ફઈના ભાઇના કરૂણ મોત નિપજયા છે જયારે અન્ય છ મિત્રોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ બેડીપરા વિસ્તારમાં રહેતા વિરલ રમેશભાઇ બાબુતર (ઉવ.19), કિશન નારણભાઇ વકાતર (ઉ.વ.17 રે. માલધારી સોસાયટી), રૂષિક રમેશભાઇ પરમાર (ઉ.વ.22 રહે. સંતકબીર રોડ), જીજ્ઞેશ લક્ષ્મણભાઇ મયાડ (ઉ.વ.33 રહે. આર્યનગર), દિશાની ચંદ્રેશભાઇ જોગી (ઉ.વ.22 રહે. સંતકબીર રોડ રોડ), દિક્ષિત, દિનેશભાઇ લીંબાસીયા (ઉ.વ.18 રહે. આર્યનગર-21) તથા રાહુલ ગત રાત્રે સ્કોર્પિયો કારમાં કુવાડવા હાઈ-વે પરથી રાજકોટ આવતા હતા. વિમલ ચલાવતો હતો દરમ્યાન માલીયાસણ તનજીક બંસલ પેટ્રોલપંપ પાસે આગળ જતી કારની સાઈડ કાપ્યા બાદ અચાનક વળાંક આવતા વિમલે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કોર્પીયો રોડ નીચે ઉતરી પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેથી તમામને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સિવિલમાં વિરલ (ઉ.વ.19) અને કિશન (ઉ.વ.17)નું મોત નીપજયું હતું.
પ્રાથમિક તપાસમાં બધા મિત્રો ગઇ કાલે ચિત્ર ચિરાગ બાબુતરનો જન્મદિવસ દીવાથી તરઘડીયા ગામે ભુપતભાઇના ફાર્મ હાઉસમાં પાર્ટી રાખી હોય જયા જમીને રાત્રે પરત આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
મૃતક વિરલ અને કિશન મામા-ફઇના ભાઇ થતા હતા. વિરલ બે ભાઇમાં નાનો અને ફ્રુટનો ધંધો કરતો હતો. જયારે કિશન ધોરણ-12માં અભ્યાસ કરતો હતો અને એકનો એક ભાઇ હોવાનું જાણવા મળ્યું છે. મામા-ફઇના ભાઇના મોતથી ભરવાડ પરીવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગે કુવાડવા પોલીસે દિક્ષિત લીંબાસીયાની ફરીયાદ પરથી સ્કોર્પીયો ચાલક વિમલભાઇ સામે બેદરકારીથી કાર ચલાવી મોત નીપજાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.