સિંચાઇ ખાતાના રોજમદાર કર્મીઓને કાયમી કરવાની માંગ

રાજકોટ તા.1
વર્કચાર્જ-રોજમદાર કર્મચારી મહામંડળ (સિંચાઇ) સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન રાજકોટના પ્રમુખ હસમુખભાઇ પાઘડાર અને ઉપપ્રમુખ સી.કે. ગોસ્વામીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મંત્રી પરબતભાઇ પટેલને આવેદનપત્ર પાઠવી જણાવેલ કે રાજયમાં સિંચાઇ વિભાગમાં તા. 17/10/1988 પછીના નોકરીમાં દાખલ થયેલ અનિમિત ભરતીવાળા રોજમદાર 3000 જેટલા કર્મચારીઓને હાલ સરકાર દ્વારા દર મહિને રૂા. 8000/- થી 9000/- જેવું સામાન્ય લઘુત્તમ વેતન આપવામાં આવે છે. આવા લઘુતમ તેમજ લેતા તમામ કર્મચારીઓ મોટેભાગે ડેમસાઇટ ઉપર ફરજ બજાવતા હોય તેમજ ઉપરોક્ત કર્મચારી 8 કલાકને બદલે 10 થી 12 કલાક ફરજ બજાવતા હોય તદઉપરાંત હાલ સિંચાઇ વિભાગમાં ડેમસાઇટ પરના મોટાભાગના કર્મચારીઓ નિવૃત થઇ ગયેલ હોય જેના પરિણામે હાલ લઘુત્તમ વેતનમાં નોકરી કરતાં રોજમદાર કર્મચારીઓ તેની ફરજ ઉપરાંત વધારાના એક થી બે કર્મચારીઓની વિભાગની કામગીરી જેવી કે રવિ સિઝનમાં ઇરીગેશન, ચોમાસામાં ફલ્ડ સેલની કામગીરીઓનો બોજ લઇ કામ કરે છે. વિશેષમાં આવેદનપત્રમાં જણાવેલ કે મોટાભાગના લઘુત્તમ વેતન (આઠ-નવ હજાર) લેતા રોજમદાર કર્મચારીઓને ફરજનું સ્થળ ડેમસાઇટથી ઓછામાં ઓછું 10 કિ.મી. અને વધુમાં વધુ 30 કિ.મી.ના અંતરે આવેલ હોય આવવા-જવાનો પેટ્રોલ અને વાહન મેન્ટેનન્સનો ખર્ચ મહીને રૂા.ત્રણ હજાર જેવો થાય છે. હાલ તમામ સ્તરે મોંઘવારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હોય ત્યારે પેટ્રોલનો ખર્ચ બાદ કરતાં રૂા.છ થી સાત હજાર જેવા પગાર કર્મચારીના હાથમાં માંડ આવતો હોય છે. ત્યારે આવા ખૂબ જ ટૂંકા પગારમાંથી તેમના કુટુંબનું ગુજરાન જેવું કે મેડીકલ ખર્ચ, સંતાનનું શિક્ષણ ખર્ચ અને સામાજિક ખર્ચને પહોંચવાનું ખૂબ જ કઠીન અને મહામુશ્કેલ હોય, જ્યારે રૂા.50,000/-ના પગારદાર કર્મચારી અને અધિકારીઓને આવી કાળઝાળ મોંઘવારીમાં મહિનાના અંતે તેમનું બજેટ વેરવિખેર થઇ જતું હોય ત્યારે આવા લઘુતમ વેતન લેતા રોજમદાર કર્મચારીઓની મહિનાને અંતે આર્થિક હાલત કેવી કફોડી થતી હશે તેની સરકારે તાકેદી વિચારવાનો સમય પાકી ગયો છે.
અંતમાં જણાવેલ કે લઘુતમ વેતન લેતા કર્મચારીની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા અને કાળઝાળ મોંઘવારીને કારણે તેમની દયનીય સ્થિતિને ધ્યામાં લઇ તેમના કામના પ્રોત્સાહનરૂપે માનવતાના ધોરણે તાકીદે કાયમી કરી તેના હક્કના લાભ જેવા કે પાંચમુ, છઠ્ઠુ અને સાતમું પગારપંચ સત્વરે આપવામાં આવે તેવી મહામંડળે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે.