રૂબેલા રસીકરણ બાદ ત્રણ છાત્રો બેભાન

રાજકોટ તા.1
રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલ દેવપરામાં પતંજલી સ્કૂલમાં આજે ઓરી-રુબેલાની રસી અપાયા બાદ ત્રણ વિદ્યાર્થીઓને આડ અસરથી બેભાન થઈ ઢળી પડતા સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ મહાપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરની સ્કૂલના જુદા-જુદા દિવસે ઓરી-રુબેલાના રસીકરણ માટે કેમ્પ યોજવામાં આવી રહ્યા છે તેમા આજે કોઠારિયા રોડ ઉપર આવેલ પતંજલી સ્કૂલમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓરી-રુબેલાની રસી આપવામાં આવી રહી હતી ત્યારે ત્રણ વિદ્યાર્થીઓને રસીની આડઅસર થઈ હતી. બાળકીને રસી અપાયા બાદ ત્રણ વિદ્યાર્થીઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા.
રસી અપાયા બાદ વિદ્યાર્થીઓને આડઅસર થતી હોવાની વાત વહેતી થતા વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત બનેલા ત્રણેય વિદ્યાર્થીઓને તાબડતોબ લોટ્સ હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી, વઢવાણમાં ઓરી-રુબેલાની રસી અપાયા બાદ કેટલાક વિદ્યાર્થીઓને આડઅસર થઈ હતી. એટલુ જ નહીં કચ્છમાં અને હિમતનગરમાં એક-એક વ્યક્તિના મોત નિપજ્યા હોવાના અહેવાદ બાલ કેન્દ્રીય આરોગ્ય ટીમ દ્વારા રસીઅંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
રસીકરણથી નહીં, માત્ર એક બાળકને ગભરામણ: કમિશનર
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ આ અંગે જણાવ્યું હતું કે પતંજલી સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓને ઓરી-રુબેલાના રસીકરણ કેમ્પ દરમિયાન કોઈ વિદ્યાર્થીને આડઅસર થઈ નથી પરંતુ એક વિદ્યાર્થીને ગભરામણ થતા બેભાન થઈ ગયો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.