તાલાળા (ગીર) આવાસ યોજના માંથી સાચા ગરીબ લાભાર્થીઓની બાદબાકી

તાલાલા ગીર,તા.1
તાલાલા પંથકનાં માધુપુર ગીર-જાંબુરગીર ગામે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બંન્ને ગામના ગરીબ સીદી આદીવાસી પરીવારો માટે મકાનો બનાવવાની ચાલતી કામગીરીમા અધીકારીઆ મનમાની કરી સાચા ગરીબ લાભાર્થીઓને અન્યાય કરી રહ્યા હોવાની મુખ્યમંત્રી સમક્ષ થયેલ ફરીયાદ અંગે તુરત તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રીને લેખીત સુચના આપતા ભારે ચકચાર ફેલાયેલ છે.
જાંબુરગીર માધુપુરગીર ગામનાં 3પ ગરીબ સીદી આદીવાસી સમાજનાં પરીવારોએ મુખ્યમંત્રી સમક્ષ કરેલ લેખીત ફરીયાદમાં જણાવ્યું છે કે જાંબુરગીર-માધુપુર ગીર ગામનાં કુલ 380 ગરીબ સીદી આદીવાસી પરીવારોનો અવાસ યોજનામાં સમાવેશ કર્યાના ઓનલાઈન લાભાર્થીના નામો આવેલા છે. પરંતુ ગામના તલાટી કમ મંત્રી તથા તાલાલાની આઈ.આર.ડી. શાખાનાં અધીકારી પોતાની સતાનો દુર ઉપયોગ કરી જે જમીન પેશકદમીની હોય તેને ગામ નમુના ર આપી લાભાર્થીને મળવાપાત્ર સહાય ચુકવી આપે છે.જે સાચા લાભાર્થીઓને અન્યાય કારક છે. ફરીયાદમાં જણાવ્યું છે કે જે લોકો ગ્રામ પંચાયતમા પાણીવેરો-ઘર વેરો- વિગેરે પંચાયતનાં વેરા ભરે છે તેવા સાચા લાભાર્થીને બે નંબરની નકલો આપવાના બદલે જે લોકોએ અગાઉ ઈન્દીરા આવાસ-સરદાર આવાસ યોજના નીચે મકાન સહાય લીધી છે. તેવા લોકોનો વડાપ્રધાન આવાસ યોજનામાં સમાવેશ કરી સહાય ચૂકવવામાં આવે છે. સાચા ગરીબ લાભાર્થીઓની આવાસ યોજનામાંથી બાદબાકી કરી ભારે અન્યાય કરવામાં આવેલ છે.
જાંબુરગીર-માધુપુરગીર ગામના 3પ ગરીબ સીદી આદીવાસી પરીવારોની ફરીયાદની તુરત તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી સાચા ગરીબો સહાયથી વંચીત રહે નહી માટે તુરત કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીએ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને સુચના અપાતા તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાઈ છે.