પોરબંદરમાં મહેર જ્ઞાતિની લાગણી દુભાવનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની બદલી કરવા રજૂઆત

  • પોરબંદરમાં મહેર જ્ઞાતિની લાગણી દુભાવનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની બદલી કરવા રજૂઆત
    પોરબંદરમાં મહેર જ્ઞાતિની લાગણી દુભાવનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની બદલી કરવા રજૂઆત

પોરબંદર,તા.1
પોરબંદરમાં મહેર જ્ઞાતિ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ તપાસ હાથ ધરી તેની અન્ય જિલ્લામાં બદલી કરવા જૂનાગઢ રેન્જ આઈ.જી. સમક્ષ રજુઆત થઈ છે.
પોરબંદરના મહેરસમાજના મહિલા અગ્રણી લીલુબેન ભુતિયા સહિત મહેર સમાજના લોકોએ જૂનાગઢ ખાતે રેન્જ આઈ.જી. ને રૂબરૂ આવેદન પાઠવી જણાવ્યું હતું કે મહેર સમાજ એ શાંતિપ્રીય તથા પ્રજાલક્ષી સમાજ છે. પોરબંદરના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ મુળજી મેવાડાએ કે જે એક જવાબદાર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તે કોમવાદી વલણ ધરાવે છે અને મહેર જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો, ગંદી ગાળો ઉચ્ચારી મહેર જ્ઞાતિને ઉશ્કેરવાનો પ્રયત્ન કરેલ છે. મહેર સમાજને હિન્દુ નથી તેમ કહી લાગણી દુભાવી છે. આ ઉપરાંત એક સ્ત્રી પાસેથી ખોટું નિવેદન લઈ મહેર સમાજના નિર્દોષ વ્યક્તિને છેડછાડના ખોટા આરોપમાં સાજીસ કરેલ છે. આવી વ્યક્તિને પ્રજાલક્ષી કામગીરી કરવાની હોય છતાં બેજવાબદાર બની આ કોન્સ્ટેબલે મહેર સમાજ વિશે અભદ્ર ઉચ્ચારણો કર્યા છે અને મોબાઈલમાં મહેર જ્ઞાતિના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ મેવાડાને બરતરફ કરી બહાર દૂરના જિલ્લામાં બદલી કરવા તથા તેની સામે શિક્ષાત્મક પગલા લેવા માંગણી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. વધુમાં હેડ કોન્સ્ટેબલે કરેલી અભદ્ર ટીપ્પણીઓ વિશેની સીડી પણ રજુ કરી હતી અને એવું જણાવ્યું હતું કે આ બાબતે અગાઉ પોરબંદર જિલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવી હતી અને અભદ્ર ઉચ્ચારણ કરનાર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી દિવસ-3 માં યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેમ પણ મહેર સમાજના લોકોએ જણાવ્યું છે.