પોરબંદરના વિસાવાડા પાસે રીક્ષામાં નિકળેલા દલિત શખ્સ ઉપર હુમલો થતાં ફરિયાદ

  • પોરબંદરના વિસાવાડા પાસે રીક્ષામાં નિકળેલા દલિત શખ્સ ઉપર હુમલો થતાં ફરિયાદ
    પોરબંદરના વિસાવાડા પાસે રીક્ષામાં નિકળેલા દલિત શખ્સ ઉપર હુમલો થતાં ફરિયાદ

પોરબંદર,તા.1
પોરબંદરના છાંયામાં રહેતો શખ્સ મંગળવારે રાત્રે નજીકના વિસાવાડા ગામ પાસેથી ભાડુ કરીને પરત આવતો હતો ત્યારે તેને ત્રણ શખ્સોએ રોકીને માર મારતા તેમજ દલિત હોવાથી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યો હોવાની અને રીક્ષાની લુંટ પણ ચલાવીને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને પોરબંદરની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા જામનગર ખસેડાયો છે.
પોરબંદરના છાંયામાં રહેતા બાલુભાઇ ગીગાભાઇ ખરા ઉ.વ. 45 રીક્ષા ડ્રાઇવર હોવાથી ભાડા માટે નજીકના વિસાવાડા ગામે મંગળવારે રાત્રે ગયા હતા અને પરત ફરતી વખતે તેને અનિલ ઉર્ફે ખોડો સાજણ કેશવાલા અને અન્ય બે શખ્સોએ રોકીને તેની પુછપરછ કરતા તે દલિત હોવાનું અને વિસાવાડા ગામે રીક્ષાના ભાડા માટે ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સોએ તેને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરીને માર માર્યો હતો અને તેની ઉપર કાર ચલાવવાની પણ કોશીષ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
વિસાવાડા પાસે રોડ ઉપર બનેલા આ બનાવ બાદ બાલુભાઇ ગીગાભાઇ ખરા અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અનુસંધાને પોરબંદરના દલિત સમાજના આગેવાનો વ્રજલાલ સાદીયા, બાબુભાઇ પાંડાવદરા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને પોરબંદરમાં નવા આવનાર એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહીલને પણ બનાવ અંગે આવેદન આપીને કડક કાર્યવાહી માટે આગામી તા. 3ના રૂબરૂ રજુઆત કરવા જશે તેવું જણાવ્યું હતું.