સીમરની સીમશાળામાં શિક્ષકો નહી વધારાય તો આત્મ વિલોપનની ચિમકી

પોરબંદર,તા.1
પોરબંદર નજીકના સીમર ગામે આઘીવાડી સીમશાળા આવેલી છે. આ સીમશાળામાં 1 થી 7 ધોરણમાં નજીકમાં રહેતા ખેડૂતો અને ખેતમજુરોના બાળકો અભ્યાસ કરે છે અને તમામ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાથી શિક્ષણ પણ ખુબ જ નીચા સ્તરનું હોવાથી જો તાત્કાલીક આ સીમશાળામાં શિક્ષકોની નિમણુંક નહીં કરવામાં આવે તો સીમરના સ્થાનિક આગેવાન લખુભાઇ ઓઘડભાઇ મોઢવાડિયાએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સીમર ગામે રહેતા લખુભાઇ ઓઘડભાઇ મોઢવાડિયાએ જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે, સીમર ગામની સીમશાળામાં ધો. 1 થી 7ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે અને તેથી શિક્ષણનું સ્તર ખુબ જ નીચું રહેતું હોવાથી ખેડૂતોને દુર સુધી અન્ય ગામની શાળાઓમાં અભ્યાસ કરવા માટે પોતાના બાળકોને મોકલવા પડે છે. તેઓએ જણાવ્યું છે કે, સરકાર એક તરફ પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના આયોજનમાં લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે તો બીજી તરફ જરૂરી શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે ગામડાઓની સીમશાળામાં પુરતી સંખ્યામાં શિક્ષકોની નિમણુંક કરતા નથી અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું બહાનું કરવામાં આવે છે જેથી પોરબંદર તાલુકાના સીમર ગામે આવેલ સીમશાળામાં તાત્કાલીક ધોરણે શિક્ષકોની નિમણુંક નહીં કરવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે તેવું જણાવ્યું હતું.
રાહતદરનું દવાખાનું શરૂ થશે
પોરબંદરના તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિતલાચોકમાં રાહત દવાખાનાનો પ્રારંભ કરવામાં આવશે.
પોરબંદરમાં તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાયજ્ઞો ચાલી રહ્યા છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી ગરીબ માણસોને ફ્રી દવા, 50 ટકામાં દર્દીઓને બહારગામ લઈ જવા માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ 50 ટકા રાહતદરે લેબોરેટરી રીપોર્ટની સુવિધા કરી આપવામાં આવે છે. આ ઉપરાંત પોરબંદરની બન્ને સરકારી હોસ્પિટલોમાં દર રવિવારે તથા ગુરૂવારે તમામ દર્દીઓને પૌષ્ટીક આહારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજે લેડી હોસ્પિટલે તમામ દર્દીઓને બિસ્કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે તેમજ 25 વિધવા બહેનોને દર મહિને અનાજની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે આ સેવાયજ્ઞનું વધુ વિસ્તરણ કરવામાં આવનાર છે જેમાં ટુંક સમયમાં તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત રાહત દવાખાનું શિતલા ચોક પાસે જલારામ મંદિર પાસે પ્રારંભ થશે. જેમાં ટોકન ફી થી ડોક્ટરની વિઝીટ તથા દવા આપવામાં આવશે અને ડો. ભાર્ગવ રાયચુરા તથા ડો. ચેતન શાસ્ત્રીજી સેવા આપશે. નાના માણસોને નજીવા દરે મેડીકલ સેવા મળી રહે તેવા હેતુસર આ રાહત દવાખાનાનો પ્રારંભ થશે. ઉપરાંત માનવ સેવા એ જ પ્રભુસેવાના ઉદેશ સાથે આ સંસ્થા દ્વારા મેડીકલ સાધનો વ્હીલચેર, ઓક્સીજન મશીન, ફોલ્ડીંગ પલંગ, સક્શન મશીન, ટોયલેટ ચેર, બાયપેપ મશીન, નેબ્યુલાઈઝર અને ઓક્સીજન કીટ વગેરે નજીવા દરે દર્દીઓ માટે ભાડે આપવામાં આવે છે તેમજ પી.એમ. માટે આવતા મૃતદેહને કફન પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે ત્યારે આ સેવાયજ્ઞોનું વધુ વિસ્તરણ કરવા માટે દવાખાનાનો પ્રારંભ થશે.
જરૂરીયાતમંદોને ઘરબેઠા મદદ
પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના જરૂરીયાતમંદોને ઘરબેઠા મદદ કરવામાં આવી હતી.
પોરબંદરની શ્રી રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ દ્વારા સેવા, સંગઠન, સાંન્નિધ્ય તેમજ ઉત્કૃષ્ટ જ્ઞાતિભાવનાથી લોહાણા જ્ઞાતિના શારીરિક-માનસિક રીતે અશક્ત તથા એકલવાયા રહેતા જરૂરીયાતમંદ 70, 80, 90 વર્ષના વડીલો, બહેનો કે જેઓ પોતે એકલા જ હોય અથવા પતિ-પત્નિ હોય તેઓ માટે આ સેવાયજ્ઞની શરૂઆત 2012 થી થયેલ છે. દર માસે તેમના ઘરે જઈ રૂબરૂ મળી તેમની સુખ-દુ:ખની વાતોમાં સહભાગી થઈ તેમને માટે જીવન-જરૂરીયાતની ચીજ-વસ્તુઓ, રોકડ સહાય તેમજ જરૂર પડ્યે મેડીકલ સહાય-હોસ્પિટલાઈઝેશન આપવામાં આવે છે. આ સીનીયર સીટીઝન્સને તેમની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ જ્ઞાતિશ્રેષ્ઠીઓ તથા રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિના કમીટી મેમ્બર્સના સહયોગથી કરવામાં આવે છે. જુલાઈ-2018 માં પણ આ સેવાયજ્ઞમાં ખાદ્યપદાર્થોની કીટ ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની સંપૂર્ણ કીટ બનાવી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં વિજયાબેન મોહનભાઈ કોટેચા પરિવાર, વલ્લભદાસ ખીમજીભાઈ દાવડા પરિવાર-લીસ્બન, સોનલબેન અમિતકુમાર પોપટ-લીસ્બન, મનિષભાઈ પ્રસનકુમાર માંડવીયા-આફ્રિકા, જયેશભાઈ પતાણી, આશાબેન પોપટ-યુ.કે. વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વિતરણનાં સેવાયજ્ઞમાં દુર્ગાબેન લાદીવાલા, મોહનભાઈ લાખાણી, કોકીલાબેન તથા રમેશભાઈ આડતીયા તથા મિનાબેન દત્તા અને વંદનાબેન રૂપારેલ વગેરેએ સાથે રહીને સેવા આપી હતી.
કલેકટરનું જાહેરનામું
પોરબંદર જિલ્લાની તમામ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને ખાસ સરકારી પરિપત્ર પાઠવીને જિલ્લા મેજીસ્ટ્રેટ કમ જિલ્લા કલેક્ટરે કેટલીક અનુસુચિત જાતિ, જનજાતિના લોકો માટે સામાન્ય રીતે વપરાતા શબ્દોનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના આપી છે.
સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ સહિત મુલાકાતે આવતા લોકોને પણ અમુક શબ્દોનો ઉપયોગ કરતા અટકાવવા તેવું સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચુસ્તપણે અમલ કરવાની પણ યાદી પાઠવવામાં આવી છે.
15 કલાક વિજળી આપવાની માંગણી
પોરબંદરમાં વરસાદની ખેંચ રહેતા ખેડૂતોએ કરેલી વાવણીમાં અને વધુ વાવેતર કરવા ઈચ્છતા ધરતીપુત્રોને ભારે મુશ્કેલી પિયત માટે અનુભવવી પડે છે. તેથી સરકારે 8 કલાકને બદલે કૃષિ વિજપુરવઠો વધારીને 15 કલાકનો કરવાની માંગણી થઈ છે.
ભારતીય કિસાન સંઘ-પોરબંદર જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલાએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં અનિયમિત અને અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને પોતાની મહામૂલી મોસમ બચાવવા માટે અત્યારે 8 કલાક વિજપુરવઠો આપવામાં આવે છે. તેને બદલે વધારો કરીને દરરોજ 15 કલાક વિજળી આપવા માંગણી કરી છે. અને જણાવવામાં આવ્યું છે કે અત્યારે ફૂવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ અને બોર-કૂવામાંથી સબમર્સીબલ મૂકીને વરસાદના અભાવે પાણી ખેંચવું પડે છે તેથી વિજળીની 15 કલાક ખાસ જરૂરીયાત છે.
પોસ્ટખાતાના નિવૃત કર્મચારીઓ-પેન્શનરો જોગ યાદી
પોરબંદર પોસ્ટલ વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ દ્વારા પાઠવાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત પોસ્ટલ સર્કલ પેન્શનર્સ, ફેમીલી પેન્શનર્સ કે જેઓ 2016 પહેલા રીટાયર્ડ થયા હોય અને સેવન્થ સી.પી.સી. નો લાભ અત્યારસુધી મળ્યો ન હોય તેવા પેન્શનર્સ, ફેમીલી પેન્શનર્સને અપીલ છે કે તેઓ તેમની પાસે ઉપલબ્ધ રીટાયર્મેન્ટ દસ્તાવેજો જી.એમ. (ફાયનાન્સ), પોસ્ટલ એકાઉન્ટ ઓફિસ-અમદાવાદને પોતાની હેડ પોસ્ટઓફિસ કે જ્યાંથી પેન્શન મેળવતા હોય તેના દ્વારા મોકલી આપે. આનાથી સત્વરે સાતમા સી.પી.સી. નો લાભ અને કોમ્પ્યુટરાઈઝડ પી.પી.ઓ. ની સુવિધા મળશે તેવું જણાવાયું છે.
વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ
શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ મોટીવેશનલ સ્પીકરની સ્પીચનો કાર્યક્રમ યોજાશે. પોરબંદરની શ્રી લોહાણા મહાજનવાડીના કંચન કોટેજ હોલ ખાતે તા. 5 ઓગષ્ટ રવિવારે સાંજે 6 કલાકે લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારંભ યોજાશે. આ કાર્યક્રમમાં ખાસ મોટીવેશનલ સ્પીકર તથા કોર્પોરેટ ટ્રેઈનર ઋષિકા જતીનભાઈ હાથી "માં-બાપ બાળકોના ખુશીઓની ચાવી વિષય પર ખાસ વક્તવ્ય આપશે. આ પ્રસંગે અતિથિ વિશેષમાં પોરબંદર નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, રાજકોટ યુવા રઘુવીર સેનાના ચેરમેન કલ્પેશભાઈ પલાણ, પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, મંત્રી રાજુભાઈ લાખાણી, ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા, પોરબંદર લોહાણા યુવાશક્તિના પ્રમુખ મીલનભાઈ કારીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહ માટે નાઈરોબીવાળા સ્વ. દમયંતિબેન જમનાદાસ નાનજીભાઈ રૂપારેલ પરિવારનો આર્થિક સહયોગ સાંપડ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા નિમંત્રીતોને ઉપસ્થિત રહેવા શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલ ઠકરાર, પ્રો. ચેરમેન કિશોર લાલચેતા, ભાવિન રાયચુરા અને મંત્રી કેતન કોટેચાએ એક યાદીમાં જણાવ્યું છે.
ડોમીસાઈલ સર્ટી.
પોરબંદર જિલ્લામાં ડોમીસાઈલ સર્ટી. માટે તા. 3 ઓગષ્ટના રોજ ચકાસણી હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીક અને નેચરોપેથી, પ્રવેશ માટે જે વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો ડોમીસાઈલ હોય તેને પ્રવેશ આપવા સંદર્ભે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્ષીસ, એ.સી.પી.યુ.જી. એમ.સી.ઈ.સી. ની પ્રવેશ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લામાંથી બીજા તબક્કામાં મેરીટ લીસ્ટમાં આવતા વિદ્યાર્થીઓના ડોમીસાઈલ સર્ટીફીકેટની ચકાસણીની કામગીરી પ્રાંત અધિકારી અને સબ મેજીસ્ટ્રેટ પોરબંદર કે.વી. બાટીના અધ્યક્ષસ્થાને નિમાયેલ સમિતિ દ્વારા કરવામાં આવશે. સંબંધિતોએ ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ, સ્કૂલ લીવીંગ સર્ટી અને જરૂરી આધારો સાથે તા. 3/8/18 ના રોજ સવારે 10:30 કલાકે સબ મેજીસ્ટ્રીયલની કચેરી, રૂમ નં. 207, જિલ્લા સેવા સદન-પોરબંદર હાજર રહેવા અનુરોધ કરાયો છે.