જુનાગઢ નજીક રૂા.8 લાખનું ગેરકાયદે એલ.ડી.ઓ પકડાયું

જુનાગઢ,તા.1
જુનાગઢ એસ.ઓ.જી.ને મળેલી બાતમીનાં આધારે સાબલપુર ચોકડી પાસે મે.પર્વ ટ્રેડીંગ કંપનીમાં દરોડો પાડતા જવલનશીલ એલ.ડી.ઓનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા પોલીસે એલડીઓના જથ્થા સહીત રૂા.7,93,100 નો મુદામાલ ઝપ્ત કરી એક શખ્સની અટક કરી હતી. જયારે ગેરકાયદેસર જથ્થો રાખનાર બે શખ્સો સામે પણ પોલીસે ગુનો નોંધી તેને પકડ પાડવા તજવીજ હાથ ધરી હતી.
જુનાગઢ એસ.ઓ.જીના ઈન્ચાર્જ પી.આઈ. જે. એમ. વાળાને મળેલી બાતમીનાં આધારે જુનાગઢની સાબલપુર ચોકડી પાસે આવેલ મે.પર્વ ટ્રેડીગ કુ. નામથી ચાલતા એક એકમમાં દરોડા પાડતા તોરણીયા ગામના વિજય રતિભાઈ ટીલવા તથા ખડીયા ગામના દેવાભાઈ ઓડેદરાનાં કબજા ભોગવટાવાળી ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ જવલનશીલ એલ.ડી.ઓનો 13 હજાર લીટરનો જથ્થો મળી આવેલ હતો અને આ જથ્થામાથી જુદા જુદા વાહનોમાં એલ.ડી.ઓ ભરી આપતા આ જગ્યાનો મેનેજર ધીરૂભાઈ નાનજીભાઈ પટેલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી એલડીઓનો જથ્થો તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂા.7,93,100 નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે આ ગેરકાયદેસર જથ્થો રાખનાર વિજય ટીલવા તથા દેવાભાઈ ઓડેદરા સામે ગુનો નોધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.