જુનાગઢ સહિત પંથકમાં ચાર સ્થળે સામાન્ય બાબતે મારામારી

જુનાગઢ તા.1
જુનાગઢ સહિત સોરઠ પંથકમાં નજીવી બાબતે બબાલ અને માર મારી ઇજાઓ કર્યાના ચાર બનાવો પોલીસ દફતરે નોંધાવા પામ્યા છે. જુનાગઢના દાતાર રોડ ઉપર રહેતા હરેશભાઇ કરશનભાઇ પરમારના દીકરા ઉદય પાસેથી મિતેશ ભોય કબુતર રમાડવા માટે લઇ ગયેલ જે બાબતે હરેશભાઇએ મીતેશના ઘરે જઇ ઠપકો આપતા ઉશ્કેરાયેલા મીતેશ લોખંડનો પાઇપ માથાના ભાગે મારી દેવા હરેશભાઇ લોહી લુહાણ થઇ ગયા હતા. માંગરોળના ઝરીયાવાડાના ઇમરાનખાન હુશેનખાન બેલીમના શેઢા પાડોશી બાલાભાઇ માંડાભાઇ રબારી તથા તેના બે ભાઇઓએ અમારા રૂપીયા દે તેવું કરી ત્રણેય શખ્સોએ મુંઢ માર માર્યો હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાય છે. બીલખા પોલીસ તાબાના નવા પીપળીયા ગામની મહિલા મનીષાબેન બીખનભાઇ ઉસદડને તેમના જ ગામના હસુભાઇ ખીમજીભાઇ સાવલીયા તથા બે થી ત્રણ શખ્સોએ વગર વાંકે લાકડી, રાપ અને ખપારી રાખી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સામા પક્ષે સોનલબેન હસુભાઇ સાવલીયાએ બીપીનભાઇ તથા ભેસાણના ભરતભાઇ સામે ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બીલખા પોલીસમાં સામ સામે ફરીયાદ નોંધાવા પામી છે.
જુગાર
વંથલીના મોટા કાજલીયાળા ગામે જુના વાસમાં જાહેરમાં જુગાર રમતા ચંદુભાઇ સોમાભાઇ વધેર સહિત 4 શખ્સો જુગાર રમતા ઝડપાય ગયા હતાં વંથલી પોલીસે જુગારના પટમાંથી મળી આવેલ રૂા. 5,860/- રોકડ ઝપ્ત કરી હતી.
હદપાર કરાયેલ
જુનાગઢ સહિત પ જીલ્લામાંથી હદપાર કરાયેલ કિશોરભાઇ સોમાભાઇ સોલંકી (ઉ.વ.55) ને એસ.ઓ.જી.એ. જુનાગઢના સરદારના બાવલા પાસેથી ઝડપી લઇ એ ડીવીઝન પોલીસને સુપ્રત કર્યો હતો.