વેરાવળમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીમાં કાર્યક્રમો

  • વેરાવળમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીમાં કાર્યક્રમો
    વેરાવળમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીમાં કાર્યક્રમો

વેરાવળ તા.1
રાજ્યભરમાં મહિલાઓનાં અધિકારો અને તેનાં મુલ્યોનું જતન કરવા સાથે મહિલાઓની અંદર છુપાયેલી સુશુપ્ત શક્તિ બહાર આવે તે હેતુંથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન તળે વેરાવળ-પાટણ દરવાજા, પોલીસ એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી
હતી.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમારે સ્વાગત કરતા જણાવેલ કે, મહિલા સશક્તિકરણનો ઉદેશ દેશમાં સમાનતા લાવવાનો છે. સ્ત્રી અને પુરૂષ બંને સાથે ખંભે થી ખંભા મીલાવીને કામ કરશે તો આ દેશનો વિકાસ તિવ્ર ગતિએ થશે અને જિલ્લા દહેજ પ્રતિબંધીક અધિકારી એમ.જી.વારસુરે પણ આ કાર્યક્રમનો હેતુ અને મહિલા સબંધી કાયદાકીય જોગવાઇઓથી બહેનોને વાકેફ કરાવેલ હતા.
મહિલા સપોર્ટ સેન્ટર કાઉન્સેલર અલ્કાબેન અને મહિલા પી.એસ.આઇ. પ્રવિણાબેન સાંખટે પણ કોઇ પણ કાયદાની આંટીઘુટી વગર સમાધાન, સ્ત્રીનું સન્માન જાળવવા અને સ્ત્રીભ્રુણ હત્યા, બાળમજુરી, ઘરેલું હિંસા જેવા કૃત્યો અટકાવવા અનુરોધ કર્યો હતો.
વેરાવળ મહિલા કોલેજનાં આચાર્ય પ્રો.જે.એસ.વાળાએ દિકરી સાપનો ભારો નથી તેતો તુલસીનો ક્યારો છે. આ દેશમાં મહિલાઓને પણ સશક્ત બનાવવી ખુબ જરૂરી છે જેના માટે આ કાર્યક્રમ ખુબ જ અગ્રતા ધરાવે છે. જેને પ્રોત્સાહન આપવા આપણા સૌની નૈતિક જવાબદારી હોવાનું જણાવી બેટી બચાવો બેટી પઢાઓ વિશે યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ તકે નેશનલ કરાટે કોચ ઇન્સટ્રક્ટર સંદીપ રાઠોડની નિગેહબાનીમાં કીડીવાવ સ્કુલની બહેનોએ મહિલાઓને સેલ્ફ ડીફેન્સફાઈટ, મહિલાઓએ પોતાનો બચાવ કેવી રીતે કરવો, જુડો કરાટે ફાઈટ, નળીયા, લાદી, બાઇક, માટલા સળગતી રીંગમાંથી પસાર થવા જેવા સ્ટન્ટ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર અને પ્રો.જે.એસ.વાળાએ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્હાલી દિકરીને પુષ્પગુચ્છ આપી નારી તું ત્યાગની મુર્તિ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મહિલા પી.એસ.આઇ. હિનાબેન અગ્રાવત, ચનીયારા, સુરક્ષા સેતુંનાં બારૈયા હિતેશભાઇ અને બહોળી સંખ્યામાં બહેનો સહભાગી થઇ હતી. આ કાર્યક્રમનું સંચાલન યોગેશભાઇ જોષીએ
કરેલ હતું.