રૂા.7.51 લાખ કરોડની માર્કેટકેપ સાથે રિલાયન્સ દેશની મોટી કંપની

  • રૂા.7.51 લાખ કરોડની માર્કેટકેપ સાથે રિલાયન્સ દેશની મોટી કંપની
    રૂા.7.51 લાખ કરોડની માર્કેટકેપ સાથે રિલાયન્સ દેશની મોટી કંપની

મુંબઈ, તા.31
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીની માર્કેટ કેપ મંગળવારે 7.51 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. તેણે રૂ.7.43 લાખ કરોડ માર્કેટ કેપ ધરાવતી ટાટા ક્ધસલટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ.1,190ની ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચવાના કારણે તે નંબર વન બની. તેનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 3.5% ઊછળીને સાથે રૂ.1,190 પર પહોંચી ગયો હતો. અંતે શેર 3.14 ટકાના વધારા સાથે રૂ.1185.85 પર બંધ રહ્યો છે. ટીસીએસનો શેર ઇન્ટ્રા-ડે 1.39 ટકા ઘટીને રૂ.1929 સુધી ગયો હતો, પરંતુ અંતે 0.2 ટકા ઘટીને રૂ.1,941.25 પર બંધ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ કેપની રીતે ટીસીએસ લાંબા સમયથી નંબર વન પર રહી હતી.
2013માં ટીસીએસે માર્કેટ કેપના મામલે રિલાયન્સને પાછળ છોડી દીધી હતી. ચાર વર્ષ બાદ એપ્રિલ 2017માં રિલાયન્સે ફરી ટીસીએસને પાછળ છોડી ત્યારથી બંને વચ્ચે બરાબરની ટક્કર ચાલી રહી હતી. જાન્યુઆરી 2018માં ટીસીએસ 6.11 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે ફરી નંબર વન બની. 12 જુલાઈના રોજ રિલાયન્સની માર્કેટ કેપ 11 વર્ષમાં બીજી વાર 100 અબજ ડોલર (6.90 લાખ કરોડ રૂપિયા)ને પાર થઈ હતી.
પરંતુ તે સમયે પણ 111 અબજ ડોલરની સાથે ટીસીએસ નંબર વન પર કાયમ રહી હતી. આ પહેલા 18 ઓક્ટોબર 2007ના રોજ પણ રિલાયન્સે 100 અબજ ડોલરની માર્કેટ વેલ્યૂ પ્રાપ્ત કરી હતી.
આ નાણાકીય વર્ષમાં પહેલા ક્વાર્ટરના પરિણામોમાં રિલાયન્સની નેટ પ્રોફિટ 18% વધી 9,459 કરોડ રૂપિયા થઈ છે. આ કારણે તેના શેરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. રિલાયન્સને જિયો, પેટ્રોકેમિકલ અને રિફાઇનિંગ ઓપરેશનથી મજબૂતી મળી. બીજી તરફ, દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસનો પ્રોફિટ 24% વધી 7.340 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ગ્રોથ અને કંપનીના ઉત્તર અમેરિકન ઓપરેશન્સના કારણે ટીસીએસ મજબૂત થઈ છે.