ભારતમાં વિજય માલ્યાને લાયક જેલ છે કે કેમ? લંડન કોર્ટે વિડિયો મંગાવ્યો

લંડન, તા.31
ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને ભાગેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલાની સૂનાવણી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. પ્રત્યર્પણ વિરુદ્ધ માલ્યાએ ભારતીય જેલોની ખરાબ સ્થિતિનો હવાલા આપતા અરજી કરી હતી. તેના પર ભારત સરકારે મંગળવારે કોર્ટમાં મુંબઈની આર્થર રોડ પર આવેલી જેલનો ફોટો રજૂ કર્યો હતો, તેનો સ્વીકાર કરવાનો ઈનકાર કરતા કોર્ટે જેલનો વીડિયો રજૂ કરવાનો આદેશ આપ્યો
છે. તેના માટે ભારત સરકારને છ અઠવાડિયાનો સમય આપવામાં
આવ્યો છે.
દેશની વિવિધ બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચુનો લગાવી ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે સુનાવણી શરૂ થઈ હતી. આ માટે માલ્યા લંડન કોર્ટમાં પહોંચ્યા હતા. સુનાવણી પહેલા માલ્યાએ કહ્યું કે, મારી પર મુકવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. મેં સેટલમેન્ટની ઓફર કરી હતી.
વિજય માલ્યાએ કહ્યું કે, મની લોન્ડ્રિંગનો આરોપ ખોટો અને પૈસા ચોરી કરવાનો સવાલ જ નથી. મેં કર્ણાટક કોર્ટને સેટલમેન્ટ કરવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે, ભારતમાં મારી સંપત્તિ રાખી લેવામાં આવે, અને બધા લોકો ખુશ રહે.
મંગળવારે વિજય માલ્યાના મુદ્દે લંડન કોર્ટમાં સૂનાવણી થઈ હતી. ત્યારબાદ આ મામલે કોઈ પણ ક્ષણે નિર્ણય આવી શકે છે. સીબીઆઈ અને ઈડી બંનેની ટીમો લંડન પહોંચી ચુકી છે અને બંને પક્ષો તેમની વિરુદ્ધમાં નિર્ણય આવવા પર લંડનની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે.
સૂત્રોના મતે, લંડનની સરકારી એજન્સી ક્રાઉન પ્રોસીક્યૂશને સીબીઆઈ અને ઈડી બંનેના અધિકારીઓને કોઈપણ ચુકાદો આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી શકાય તે માટે કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. આ માટે સીબીઆઈ અને ઈડી બંનેના અધિકારી લંડન કોર્ટમાં પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુનાવણી ખતમ થયા બાદ ફેંસલો તાત્કાલિક સંભળાવવો કે અલગ તારીખ નક્કી કરવી તે કોર્ટના જજ પર નિર્ભર છે.
તપાસ સાથે સંકળાયેલા એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, લંડન કોર્ટનો ફેંસલો માલ્યાના હકમાં આવે કે ભારતના પક્ષમાં પરંતુ બંને પક્ષ ફેંસલાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ સ્થિતિમાં માલ્યાને ભારત લાવવામાં વધારે વિલંબ થઈ શકે છે.