મિલ્કત વેરા વળતર યોજના 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

રાજકોટ : શહેરીજનો માટે મિલકતવેરા વળતર યોજના વધુ એક માસ માટે લંબાવવા અંતે લીલીઝંડી આપી દેવામાં આવી છે. આજરોજ સ્ટે. ચેરમેન ઉદયભાઈ કાનગડે સતાવાર ઘોષણા કરતા વળતર યોજના હવે 31મી ઓગસ્ટ સુધી લંબાવવા એલાન કર્યું હતું.
વળતર યોજના વધુ એક માસ લંબાવવા નિર્ણય કરતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને 31 મે 2018 સુધી 10% તથા 30 જુન 2018 સુધીમાં ભરનારને 5% ઉપરાંત મહિલા મિલકત ધારકને વિશેષ 5% વળતર આપવામાં આવે છે. ચાલુ વર્ષે શહેરમાં કાર્પેટ એરિયા બેઇઝ વેરા આકારણી લાગુ કરવામાં આવેલ હોવાથી કાર્પેટ એરિયા બેઈઝના કારણે ઘણા મિલકત ધારકોને વાંધા અરજીઓ કરવા માટે સમય મળી રહે અને તેના નિકાલની કાર્યવાહી સમયસર થાય તે માટે ચાલુ વર્ષે એડવાન્સ ટેક્ષ ભરનાર મિલકત ધારકોને 31 જુલાઈ 2018 સુધી 10% અને 31 ઓગસ્ટ 2018 સુધી 5% અને મહિલા મિલકત ધારકોને વિશેષ 5% વળતર આપવાનો નિર્ણય કરવામાં આવેલ. આ યોજના વિશેષ સમય માટે ચાલુ રાખવા તેમજ હજુ વાંધા અરજીઓનો નિકાલ કરવાનો બાકી રહી ગયેલ હોઈ શહેરના મિલકત ધારકોને વળતર યોજનાનો લાભ મળી રહે તેવા આશયથી વિશેષ 1 માસ એટલે કે 31 ઓગસ્ટ 2018 સુધી 10% અને 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ટેક્ષ ભરનારને 5% તેમજ મહિલા મિલકત ધારકને તેમજ દિવ્યાંગોને વિશેષ 5% વળતર યોજના લંબાવવાનો નિર્ણય કરાયો છે.