રાજકોટ જિલ્લાની 875 શાળામાં એક કલાકનો સમય વધારાયો

રાજકોટ તા,31
સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી અભ્યાસમાં નબળા હોય એવા બાળકોને રાજ્ય સરકારે ‘પ્રિય’ વિશેષણ આપ્યું છે, અને તેમના પર વિશેષ ધ્યાન આપવાનો ‘મિશન વિદ્યા’ પ્રોજેકટ અમલમાં મુકયો છે, જે અન્વયે રાજકોટ જિલ્લાની શાળાઓમાં અભ્યાસનો સમય એક-એક કલાક વધારી દેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 28 હજાર આવા નબળા બાળકો આઈડેન્ટીફાય થયેલા છે, જેમાંથી દસેક હજાર લેખન અને ગણનમાં, આઠે’ક હજાર વાંચનમાં નબળા છે. ગત સપ્તાહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટથી ‘મિશન વિદ્યા’ પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો, અને આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્ન હાથ ધરાવ્યા છે.
આ પ્રોજેકટનો ઉદેશ એવો છે કે અભ્યાસની એક યા બીજી બાબતમાં નબળા વિદ્યાર્થીઓ પર શિક્ષકો વધુ ધ્યાન આપે અને એ વિદ્યાર્થીઓ પણ ભણતરમાં આગળ આવે. શાળાના સામાન્ય સમય દરમિયાન એમના પર અલગથી ધ્યાન આપવું શિક્ષકો માટે શકય ન પણ બની શકે. આથી, શાળાઓનો સમય એવા ‘પ્રિય’ વિદ્યાર્થીઓ માટે એક કલાક
વધારવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની કુલ 875 સરકારી શાળાઓમાં ધોરણ 1થી 8માં 128496 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 28 હજાર જેટલા ‘પ્રિય’ વિદ્યાર્થી છે. તેમના માટે, સવારની પાળીવાળી શાળાઓમાં બપોરે 1 કલાક અને બપોરની શિફટવાળી શાળાઓમાં સવારે 1 કલાક વધુ સમય ફાળવી શિક્ષકોએ ‘પ્રિય’ વિદ્યાર્થીઓને એકસ્ટ્રા લેકચર સહિત લેખન-વાંચન-ગણન શીખવવાનું શરૂ કરી દીધું છે.
રાજકોટ સહિત રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ વાંચન અને લેખનમાં નબળા હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી અધિકારીઓને મુલ્યાંકનની જવાબદારી સોંપવામાં આવે છે.
આમ છતાં પણ રાજકોટ સહિતના રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હોવાના શિક્ષણ વિભાગના અહેવાલ બાદ નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાની 875 સ્કૂલમાંથી 28,000 જેટલા વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે આ વિદ્યાર્થીઓને જે-તે શાળાના શિક્ષકો દ્વારા વધારાના એક-એક કલાકના કલાસ લઈ શિક્ષણ સુધારાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ નબળા છે તે વિદ્યાર્થીઓને શિક્ષક ખાનગી ટ્યુશનની જેમ શિક્ષણ આપશે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મિશન વિદ્યા અંતર્ગત પ્રોજેકટને રાજકોટમાંથી શુભારંભ કરાવ્યો છે.