મેળામાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ; સિગનેચર વોલ બનાવાશે

રાજકોટ તા,31
મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવી દેવાયા બાદ હવે તા.1-9થી શરૂ થનારા રેસકોર્સ લોક મેળાને પણ સંપૂર્ણ પ્લાસ્ટિક ફ્રી ઘોષિત કરી દેવાયો છે. લોકમેળામાં વેપારીઓ, મુલાકાતીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરી શકે. દરમિયાન આ વખતે મેળામાં આકર્ષણનું કેન્દ્ર ‘જાયન્ટ સિગ્નેચર વોલ’ હશે. દરેક મુલાકાતી મેળામાં મહાલીને આ વોલ પર સિગ્નેચર કરી શકશે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આજે જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય કરીને લોકમેળાને પ્લાસ્ટિક ફ્રી જાહેર કરી દીધો છે. પાંચ દિવસના મેળા દરમિયાન પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ થી ટનમોઢે પ્લાસ્ટિકનો કચરો ખડકાતો હોય છે. કલેકટરે મેળામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ તો ફરમાવી દીધો છે પરંતુ કડક અમલવારી કરાવવી પણ ઘટે !
દરમિયાન આજરોજ સ્ટોલના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય છેલ્લી ઘડી સુધી માત્ર 607 જ ફોર્મ ભરાયા હોવાથી મુદ્દતમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જા છે. 607માંથી સૌથી વધારે 500 જેટલા ફોર્મ તો રમકડાના સ્ટોલ માટે ભરાયા હોય યાંત્રિક રાઈડ, ખાણીપીણી, આઈસ્ક્રીમના ચોકઠા વગેરે માટે મળેલા નબળા પ્રતિસાદથી તંત્ર દ્વારા ફોર્મની મુદતમાં વધારો કરવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. સોલની હરાજી ડ્રો આવતા મહિને યોજાશે પરંતુ અત્યાર સુધીમાં ફોર્મ વિતરણથી પણ તંત્રને 2.82 લાખ રૂપિયાની આવક થઈ છે.
લોકમેળાના નામ માટે યોજવામાં આવેલ સ્પર્ધામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ખૂબજ સારા પ્રતિસાદથી 345 જેટલીઓ એન્ટ્રીઓ મળી છે. લોકોએ સૂચવેલા નામોમાંથી આજે સાંજે જ લોકમેળાનું ફાઈનલ નામ પસંદ કરી તેની ઘોષણા થશે અને જે સ્પર્ધનું નામ પસંદ કરાશે તેને વિજેતા જાહેર કરાશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા મેળા તરીકે જાણીતો રાજકોટનો લોકમેળો આગામી તા.1-9થી રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ સુધી યોજાનાર છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.